ગઈ કાલે જ સિવિલ હોસ્પિટલમાંથી મહિલાને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યા’તા
છેલ્લા થોડા દિવસોમાં જ રાજકોટ જિલ્લામાં કોરોનાથી કંટાળી ત્રણ દર્દીઓએ જીવાદોરી સંકેલી લીધી
રાજકોટમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ કોરોના પોઝિટિવ દર્દીઓ સ્થિતિથી કંટાળીને આપઘાત કરી રહ્યાની ઘટનાઓમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. આજ રોજ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ બોયઝ હોસ્ટેલના કોવિડ કેર બિલ્ડિંગના પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા શહેરભરમાં ચકચારી મચી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં જ કોવિડના દર્દીઓએ આપઘાત કર્યા હોવાની ઘટનામાં વધારો થયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં કોરોના દર્દીઓની સંખ્યામાં બેફામ વધારો થઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ સિવાય પણ અનેક સ્થળોએ કોવિડની સારવાર માટે બેડ ગોઠવવામાં આવ્યા છે. એવી જ રીતે કોઈ પણ કોરોનાના દર્દીઓને સિવિલ હોસ્પિટલ સિવાય સમરસ હોસ્ટેલમાં પણ સારવાર મળી રહી છે. ત્યારે આજે સમરસ હોસ્ટેલમાં કોરોનાની સારવાર લઇ રહેલા તિરૂપતિ સોસાયટીમાં રહેતા નિરુબેન રમેશભાઈ ભલગામા નામના 53 વર્ષના મહિલાએ પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા શહેરભરમાં ચકચાર મચી છે.
કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ નિરુબેન ભલગામાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તબિયતમાં સુધારો જણાતા તેમને વધુ સારવાર માટે સમરસ બોયઝ હોસ્ટેલમાં ગઈ કાલે બપોરે સ્વીફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં કોરોનાથી કંટાળીને આજ રોજ સવારે નિરુબેને પાંચમા માળેથી ઝંપલાવીને જીવાદોરી ટૂંકાવી લીધી છે. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથધરી છે.
રાજકોટમાં આજ રોજ કોરોના પોઝિટિવ દર્દીએ ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે. કોરોનાની મહામારીમાં એક તરફ મોતનું તાંડવ: વર્તાઈ રહ્યું છે. તો હવે કોરોનાના ત્રાસથી કંટાળીને દર્દીઓ આપઘાત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ શહેરના મવડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાના એક દર્દીએ ઓક્સિજનની નળી વડે જ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તો ગઈ કાલે ગોંડલના વૃદ્ધ જેન્તીભાઈ બાબુભાઇ જોટંગીયાએ પણ કોરોના બીમારીના ત્રાસના કારણે વાસાવડ દરગાહ પર પોતાના હાથે જ છરી વડે ગળું કાપીને આપઘાત કરી લીધો હતો.
કોરોના વાયરસની લોકોની માનસિકતા પર ગંભીર અસર: આપઘાતના વધતા ચિંતાજનક બનાવ
રાજકોટમાં હાલ કોરોનાની બીજી લહેર ભારે તબાહી વરસાવી રહી છે. ટીકરે હાલની સ્થિતિ જોતા લોકોમાં પણ ભયનો માહોલ દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વધતા જતા કેસ અને મૃત્યુદરની અસર હવે દર્દીઓ અને સામાન્ય લોકોના માનસિક પર અસર થઈ રહી છે. જેના કારણે હવે પોઝિટિવ દર્દીઓના મૃત્યુઆંકની સાથે આપઘાતના બનાવો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.