કોંગ્રેસના સંકટમાં વધારો: ગુલામ નબી આઝાદ કેમ્પના 7 ટોચના નેતાઓએ આપ્યું રાજીનામું

અબતક, શ્રીનગર

કોંગ્રેસના જમ્મુ-કાશ્મીર એકમના સાત અગ્રણી નેતાઓએ પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું મોકલીને દાવો કર્યો છે કે તેમને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પક્ષ સંબંધિત મુદ્દાઓ પર બોલવાની તક આપવામાં આવી નથી. રાજીનામું આપનારાઓમાં ચાર ભૂતપૂર્વ પ્રધાનો અને ત્રણ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. સૂત્રોનું કહેવું છે કે તેઓ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદની નજીક છે. આઝાદે આ કોંગ્રેસના નેતાઓના રાજીનામાના થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. સૂત્રોએ રાજીનામું આપનારા નેતાઓના નામ જાહેર કર્યા નથી. તેમનું કહેવું છે કે નેતાઓએ સોનિયા ગાંધી ઉપરાંત ભૂતપૂર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના પ્રદેશ પ્રભારી રજની પાટિલને રાજીનામાની નકલો મોકલી છે.રાજીનામામાં નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વના “દુશ્મનાવટભર્યા વલણ”ને કારણે તેઓએ આ પગલું ભરવું પડ્યું હતું. તેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલામ અહમદ મીર પર નિશાન સાધ્યું છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ સહિત આઝાદના નજીકના કેટલાક અન્ય નેતાઓએ રાજીનામું આપનારા નેતાઓથી પોતાને દૂર રાખ્યા છે. નેતાઓએ એમ કહીને રાજીનામું આપ્યું હતું કે તેઓએ તેમના મુદ્દાઓ તરફ પાર્ટી હાઈકમાન્ડનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સમય આપવામાં આવ્યો ન હતો. આ નેતાઓનું કહેવું છે કે તેઓ છેલ્લા એક વર્ષથી પક્ષના નેતૃત્વને મળવાનો સમય માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમને સમય આપવામાં આવ્યો ન હતો. મીર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, મીર અઘ્યક્ષ હતા

ત્યારે પાર્ટી પોતે જ ખૂબ જ દયનીય પરિસ્થિતિ તરફ આગળ વધી રહી હતી અને પક્ષના ઘણા નેતાઓએ રાજીનામું આપ્યું હતું અને અન્ય પક્ષોમાં જોડાયા હતા, પરંતુ કેટલાકે મૌન રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસની કામગીરી પર કેટલાક નેતાઓએ કબજો કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હાઈકમાન્ડે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે પક્ષની સિસ્ટમ હેઠળ કોઈ પણ ચિંતાનું સમાધાન કરવામાં આવશે અને મીડિયા મારફતે કંઈ પણ નહીં થાય. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ નેતાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે કારણ કે તેમણે પાર્ટી હાઈકમાન્ડ પર નિશાન સાધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.