ઇ-ચલણની રકમ ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, નેટબેકીંગ અને ઓનલાઇન સંબંધિત જિલ્લાના નેત્રમ ખાતે ભરી શકાશે
વિશ્વાસ પ્રોજેક્ટની મદદથી 5500 લૂંટ, ધાડ અને હીટ એન્ડ રનના ગુનાનો ભેદ ઉકેલાયો
રાજ્ય સરકારે ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે અનેકવિધ પગલાં ભર્યા છે જેના ભાગરૂપે રાજયના પોલીસ વિભાગે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાના મુખ્ય મથકો, 6-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ 41-શહેરોમાં ટ્રાફિક જંકશન એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય વ્યુહાત્મક સ્થળોએ 7000 થી વધુ સીસીટીવી કેમેરા લગાવી, સબંધિત જિલ્લાના નેત્રમ સાથે પોઇન્ટ ટુ પોઇન્ટ ફાઇબર કનેક્ટીવીટીથી જોડી દીધા છે. તમામ જિલ્લાઓના ‘નેત્રમને ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે. હવે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના તમામ જિલ્લાઓમાં વન નેશન વન ચલણ સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે.
વિશ્વાસ પ્રોજેકટ ટાસ્ક ફોર્સના ચેરમેન અને એડીશનલ ડી.જી.પી નરસિંહા કોમરે આ અંગે વિગતો આપતા કહ્યું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં ટ્રાફીક નિયમોના ભંગ ઉપર નિયંત્રણ લાવવા તેમજ નાગરિકોમાં ટ્રાફીક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતતા ફેલાય તે માટે વાહન માલિકને ટ્રાફીક નિયમોના ઉલ્લંઘન બદલ વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ તમામ જિલ્લાઓમાં તા.15/02/2020 થી ઇ-ચલણ જારી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવેથી રાજયમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ તમામ જિલ્લાઓમાં વન નેશન વન ચલણ સિસ્ટમ મારફતે વાહન માલિકને ઇ-ચલણ જારી કરવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, તા.13/06/2023 પહેલાં ઇસ્યુ કરવામાં આવેલા ઇ-ચલણ સામે માંડવાળ રકમ ચુકવવા માટે ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કીંગ, યુપીઆઇ થી ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ ઓફલાઇન પેમેન્ટ (રોકડમાં) માટે જિલ્લાઓમાં નિયત કરાયેલ પોલીસ સ્ટેશનો ખાતે તેમજ જિલ્લાના નેત્રમ ખાતે ઓવર ધ કાઉન્ટર પેમેન્ટ ફેસીલીટી ઉભી કરવામાં આવી છે. તા.13/06/2023 પછી ઇસ્યુ કરવામાં આવેલા ઇ-ચલણ સામે માંડવાળ રકમ ચુકવવા માટે Online Portal: https://echallan.parivahan. gov.in ઉપર ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, યુપીઆઇ વિગેરેથી ઓનલાઇન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોઇ પણ વાહન માલિક ઓફલાઇન પેમેન્ટ (રોકડમાં) કરવા માંગતા હોય તો તેઓ સંબંધિત જીલ્લાના નેત્રમ ખાતે ઉભી કરવામાં આવેલી ઓવર ધ કાઉન્ટર પેમેન્ટ ફેસેલીટીનો ઉપયોગ કરીને રોકડમાં ચુકવણી કરી શકશે. સંબંધિત જીલ્લાના પોલીસ સ્ટેશન અથવા અન્ય જીલ્લાના નેત્રમ ખાતે રોકડમાં ચૂકવણી થઇ શકશે નહી.
તેમણે ઉમેર્યું કે, વન નેશન વન ચલણ સિસ્ટમ મારફતે જનરેટ થયેલ ઇ-ચલણની જાણકારી સિસ્ટમ મારફતે જ વાહન માલિકના મોબાઇલ નંબર ઉપર એસએમએસથી આપવામાં આવશે. આ ઉપરાંત, જનરેટ થયેલ ઇ-ચલણ સ્પીડ પોસ્ટ મારફતે વાહન માલિકના સરનામે પણ મોકલવામાં આવશે. ઇ-ચલણની સામે માંડવાળ રકમ 90-દિવસમાં ચુકવવામાં નહી આવે તો તે ઇ-ચણલ આપમેળે કોર્ટમાં મોકલવામાં આવશે.
વન નેશન વન ચલણ સિસ્ટમ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, ભારત સરકાર ના ‘વાહન’ અને ‘સારથી’ સાથે ઇન્ટીગ્રેટ થયેલ છે. ટ્રાફિક પોલીસ અને પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ) એક જ પ્લેટફોર્મ વન નેશન વન ચલણ સિસ્ટમ પર કાર્યરત હોવાથી ડેટાની અખંડિતતા, વિશ્વસનીયતા અને પારદર્શિતા જળવાઇ રહે છે તેમજ વાહન માલિકો દ્વારા વાહનોની નોંધણી, માલીકના નામમાં ફેરબદલ કરવા, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં ફેરબદલ કે ડેટા અદ્યતન કરાવવા, એનઓસી, ફિટનેશ સર્ટીફીકેટ, પરમીન્ટ્સ તેમજ અન્ય કામગીરી માટે જ્યારે પ્રાદેશિક પરિવહન કાર્યાલય મુલાકાત લેવાની થશે ત્યારે તે વાહન સામે ઇસ્યુ થયેલ ઇ-ચલણની ચુકવણી નહીં કરેલ હોય તો પ્રાદેશિક પરિવહન કાર્યાલયના અધિકારી દ્વારા તે બાબતે પ્રથમ ચુકવણીનો આગ્રહ રાખવામાં આવશે અને ત્યારબાદ જ પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા વાહન સબંધિત સેવાની અરજીનો નિકાલ થશે.
તેમણે કહ્યું કે, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના વિડીયો ફીડ રાજ્યની પોલીસને ગુન્હા શોધવામાં ખુબ જ મદદરૂપ થઈ રહી છે. પોલીસ દ્વારા હીટ એન્ડ રનના કેસ, માર્ગ અકસ્માત, અપહરણ, ગુમ થયેલ વ્યક્તિ કે ચીજવસ્તુઓના કેસ, ચોરી, લુંટ, ધાડ, ચીલ ઝડપ કેસો શોધવામાં તેમજ ગુન્હા બાદની તપાસમાં સીસીટીવી કેમેરાના વિડીયો ફીડની મદદ લેવામાં આવે છે. વિશ્વાસ પ્રોજેક્ટ અમલીકરણ બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના 5500થી વધુ કેસો શોધવામાં મદદ મળી છે.