- બચત એજન્સીના માલિક સહિત ચાર લોકો પાસે હોલીડે સિટીમાં ફ્લેટ આપવાનું કહી 14. 29 લાખનો ધુંબો માર્યો
- પાંચ ફ્લેટના બુકીંગ તેમજ હપ્તા પેટે રકમ મેળવી મારૂએ બાંધકામ પૂર્ણ કર્યું જ નહિ
વિવાદિત બિલ્ડર જીતેન્દ્ર મારૂ વિરુદ્ધ વધુ એક આર્થિક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. અગાઉ નિવૃત શિક્ષિકા સહીત બે લોકોએ આર્થિક છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ હવે નાની બચત એજન્સીના માલિક સહીત કુલ ચાર લોકોએ ફ્લેટના બુકીંગ પેટે રૂ. 14.29 લાખ રૂપિયા મેળવી લઇ ફ્લેટ કે પૈસા નહિ આપ્યાની ફરિયાદ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.
પોસ્ટ ઓફિસમાં નાની બચત યોજનાની એજન્સી ધરાવતા વેપારી નીતિનભાઈ પ્રફુલચંદ્ર રાવલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કાલાવડના શીસાંગ ગામે હોલીડે સિટીમાં ફ્લેટની જાહેરાત જોઈ હતી. જે બાદ તેમણે જાહેરાત આપનાર ઉત્તમ બિલ્ડરના માલિક જીતેન્દ્ર મારૂનો કોન્ટેક કર્યો હતો. જીતેન્દ્ર મારૂએ તેમને આખી સ્કીમ સમજાવેલ હતી અને રૂપિયા 9,51,000 માં 2 બીએચકે ફ્લેટ આપવાની વાત કરેલ હતી. જેથી ભોગ બનારે તેમના અને તેમની પત્નીના નામે બે ફ્લેટ લેવાનું નક્કી કર્યું હતું. ભોગ બનનાર નિતીન રાવલે તેમના વાંકાનેરના મિત્ર દામજીભાઈ અમરસિંહભાઈ હરસોરાને પણ આ સ્કીમ વિશે વાત કરતા તેમણે પણ ફ્લેટ લેવાનું નક્કી કર્યું હતું. આમ બંને ભોગ બનનારે કુલ ત્રણ ફ્લેટ લેવાનું નક્કી કરતા જીતેન્દ્ર મારુએ હોલીડે સીટી ખાતે ડી-11,12 અને 13 નંબરનો ફ્લેટ આપવાનો વાયદો કર્યો હતો. જે પેટે ભોગ બનનારે પ્રથમ રૂપિયા 50-50 હજાર બે ફ્લેટના બુકિંગ પેટે ચેક મારફતે આપ્યા હતા અને સાથો સાથ દામજીભાઈ હરસોરાએ પણ બુકિંગ પેટે 50,000 નું પેમેન્ટ ચેક મારફત કર્યું હતું.
હોલીડે સિટીમાં ફ્લેટ પેટે ભોગ બનનાર નીતિન રાવલે કટકે કટકે કુલ રૂપિયા 5.02 લાખ ચૂકવ્યા હતા. જ્યારે દામજીભાઈ હરસોરા કુલ રૂ. 1,51,000 આપેલ હતા સાથે ભોગ બનનારના મિત્ર મેહુલ અશોકકુમાર ઠાકરે પણ હોલીડે સીટીમાં વન બીએચકે ફ્લેટ માટે કટકે-કટકે કુલ ત્રણ લાખ ચૂકવેલ હતા. તેમજ મેહુલ ઠાકરના મામા અનિલભાઈ દુર્લભજીભાઈ જોશી રહે મુંબઈવાળાએ પણ વન બીએચકે ફ્લેટ લેવા માટે જીતેન્દ્ર મારુને કુલ રૂપિયા 4.76 લાખ ચૂકવ્યા હતા. આમ તમામ ભોગ બણનારે ફ્લેટ પેટે 14, 29,400 ની ચુકવણી ઉત્તમ બિલ્ડરના જીતેન્દ્ર મારુને કરી હતી.
જે બાદ ભોગ બનનારે શીસાંગ ગામે આવેલ હોલીડે સીટી હોમ ખાતે તપાસ કરતાં ડી વિંગનું નિર્માણકામ જ થયેલ ન હોય તેવું જણાઈ આવ્યું હતું. દરમિયાન જીતેન્દ્ર મારુંએ અન્ય લોકો સાથે છેતરપિંડી કર્યાના અહેવાલ અખબારોમાં વાંચતા તમામ ભોગ બનનારને પોતે પણ છેતરપિંડીનો ભોગ બન્યા હોય તેવી જાણ થઈ હતી.
એક અઠવાડિયા પૂર્વે જ જીતેન્દ્ર મારૂ વિરુદ્ધ રૂ. 39ની ઠગાઈનો નોંધાયો’તો ગુનો
જલારામ પ્લોટમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા સાથે ઉત્તમ ડેવલોપર્સના કોન્ટ્રાકટર જીતેન્દ્ર મારૂએ કાલાવડ રોડ પર મકાન અપાવી દેવાની લાલચ આપી 16 લાખની છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત મવડીમાં રહેતાં ઉજ્જવલભાઈ પટેલ સાથે પણ નવા મકાનના નામે આરોપીએ 23 લાખ પડાવી લઈ કુલ 39 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે નિર્મલા રોડ પર જલારામ પ્લોટમાં રહેતા 64 વર્ષીય બીલેન્ડાબેન એસ્ટનભાઇ હાઇલેન્ડે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે 39 વર્ષીય જીતેન્દ્ર કુંવરજી મારૂનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે.
જીતેન્દ્ર મારૂએ બુકીંગ અને હપ્તાના નામે અનેક લોકો પાસેથી નાણાં ખંખેરી બાંધકામ પૂર્ણ જ ન કર્યું
આરોપી જીતેન્દ્ર મારૂએ ઘણા લોકો પાસેથી પૈસા લઇ મકાન આપ્યાં નથી અને ફ્રોડ કર્યાનું સામે આવ્યું છે. અગાઉ વર્ષ 2022માં ખોડુભાઇ સામતભાઈ મુંધવા નામના વ્યક્તિને દુકાન અને ફ્લેટ આપવાના નામે અડધા કરોડની માતબર રકમ મેળવી કોઈ દુકાન અને ફ્લેટ નહિ આપી છેતરપિંડી આચરી હતી. થોડા દિવસ પૂર્વે નિવૃત શિક્ષિકા તેમજ પુનિતનગરની પાછળ રહેતા ઉજજવલભાઇ પટેલ પાસેથી પણ જીતેન્દ્ર મારૂએ મકાન ખરીદવા માટે 23 લાખ લઇ તેને પણ મકાન આપ્યું નથી અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. જેથી જીતેન્દ્ર મારૂએ મકાન અપાવી દેવાની લાલચ આપી ફરિયાદી બે લોકો સાથે કુલ 39 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી.