દોઢ માસમાં બે સગા ભાઇઓ સહિત ચાર બાળકો લાપતા બન્યા: અપહરણનો નોંધાતો ગુનો
શહેરના ગોંડલ રોડ પર આવેલા કાઠીયાવાડ બાલાશ્રમમાં રહી અભ્યાસ કરતી આઠ વર્ષની માસુમ બાળકી ગઇકાલે સાંજે ભેદી રીતે લાપતા બનતા માલવીયાનગર પોલીસમાં અપહરણનો ગુનો નોંધાયો છે. દોઢ માસ પૂર્વે કાઠીયાવાડ બાલાશ્રમના બે સગા ભાઇઓ સહિત ત્રણ બાળકો ભેદી રીતે ગુમ થયા બાદ બાળકી ગુમ થતા પોલીસે તપાસનો ધમધામટ શ કર્યો છે.
કાઠીયાવાડ બાલાશ્રમમાં રહેતી નિરાધાર પૂજાબેન રતનભાઇ બાબી નામની આઠ વર્ષની નેપાળી બાળકી ગઇકાલે ગોંડલ રોડ પર આવેલી એ.વી.જસાણી સ્કૂલમાં અભ્યાસ અર્થે ગઇ હતી અને સાંજે પરત ન આવતા બાલાશ્રમના સુપ્રિન્ટેડેન્ટ સુરેશભાઇ રાણાભાઇ રાઠોડે માલવીયાનગર પોલીસમાં ગુમ નોંધ કરાવતા પી.આઇ. એન.એન.ચુડાસમા અને પી.એસ.આઇ. જે.એ.ખાચર સહિતના સ્ટાફે પૂજાના અપહરણ અંગે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કાઠીયાવાડ બાલાશ્રમમાંથી ગત તા.૧૬ ઓકટોમ્બરે ગૌતમ ઉર્ફે છોટુ દિલીપ પટેલ, દિપક રતનબહાદુર બાદી અને તેનો ભાઇ આદિત રતનબહાદુર બાદી ભેદી રીતે ગુમ થતા માલવીયાનગરમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. ત્રણેય બાળકોની હજી ભાળ મળી નથી ત્યા પૂજા ભેદી રીતે લાપતા બની છે.
દિપક, આદિત અને તેની બહેન પૂજા છ માસ પહેલાં જૂનાગઢની શિશુ મંગળ સંસ્થામાંથી રાજકોટના કાઠીયાવાડ બાલાશ્રમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્રણેય મુળ રાજકોટના પોપટપરા વિસ્તારના હોવાનું અને પિતાએ આપઘાત કર્યાનું અને માતા અન્ય સાથે ભાગી જતા ત્રણેય બાળકો નિરાધાર બન્યા બાદ જૂનાગઢ પહોચ્યા હતા ત્યાંથી શિશુ મંગલ સંસ્થાએ ત્રણેય બાળકોને આશરો આપ્યા બાદ કાઠીયાવાડ બાલાશ્રમમાં મોકલી દીધા હતા.
ગઇકાલે ભેદી રીતે લાપતા બનેલી પૂજા બાલાશ્રમની અન્ય છોકરીઓને પોતે પોતાના ભાઇ પાસે જતી રહેશે તેમ અવાર નવાર કહેતી હોવાનું બાલાશ્રમના સંચાલક ભાનુબેને ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે. પોલીસે સ્કૂલ અને બાલાશ્રમ આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.