૩૧ જાન્યુઆરી સુધી આયાતની અપાઈ છૂટ : ૧૦ લાખ ટન બટેટાની આયાત કરાશે
હાલ સુધી ગરીબોની કસ્તુરી ખેડૂતો, ગૃહિણીઓ અને સરકારને રડાવતી હોય તેવી બાબતો સામે આવતી હતી પણ હવે બટેટાએ પણ ભારે કરી છે. બટેટાના ભાવ આશરે ૨૦ વર્ષ બાદ પ્રતિકીલોએ ૫૦ને આંબી ગયા છે.
આસમાનને પહોંચેલા બટાકા અને ડુંગળીના ભાવ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર આયાત કરી રહી છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ ગુરુવારે કહ્યું હતું કે ભારત સરકાર ભૂટાનથી ૩૦ હજાર ટન બટાકા આયાત કરી રહી છે. તેમણે કહ્યું કે બટાકાનો ઘરેલુ સપ્લાય વધારવા માટે અને તેની કિંમતોમાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા ભૂટાનથી બટાકાની આયાત કરવામાં આવી રહી છે.
કોઈ પણ શાકભાજી મોંઘા થાય તો સામાન્ય વર્ગ પાસે બટાકાના અને ડુંગળીનો જ આશરો હોય છે પણ આ વર્ષે ડુંગળીની સાથો સાથ બટાકાના ભાવ પણ ભારે ઉછળતા જોવા મળી રહયા છે. બટાકા અને ડુંગળી બંને રેસમાં હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોણ કોની સાઈડ કાપશે તે હવે જોવું રહ્યું જો કે, ડુંગળીની આયાત શરૂ થતા હવે થોડા ઘણા અંશે રાહત જોવા મળી રહી છે.
દેશમાં દાળ, તેલ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મોંઘવારીના ભાર હેઠળ પ્રજા પીસાઈ રહી છે અને સામાન્ય જનતાનું બજેટ સૌથી વધુ બગાડી રહ્યું છે. બટાકા, ડુંગળીના ભાવમાં જોરદાર તેજી આવી છે. બટાકા અને ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે મોદી સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગોયલે કહ્યું કે સાત હજાર ટન ડુંગળીની પહેલેથી જ આયાત કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત દિવાળી પહેલા ૨૫ હજાર ટન વધુ આયાત થવાની આશા છે. દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. કેન્દ્ર સરકાર ડુંગળીની સાથે સાથે ડુંગળીના બીજની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી ચૂકી છે.
ગોયલે વધુમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ સંઘ – નાફેડ પણ જલ્દી જ ડુંગળીની આયાત શરૂ કરશે. છેલ્લા ત્રણ દિવસથી ડુંગળીનો ભાવ ૬૫ રૂપિયા પ્રતિ કિલો પર સ્થિર છે. સરકાર કિંમત ઘટાડવા માટે તમામ પ્રકારના જરૂરી પગલાં ઉઠાવી રહી છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે દિવાળી પર્વ પહેલા ૨૫ હજાર ટન ડુંગળીની એક ખેપ પહોંચવાની આશા છે. આવતા કેટલાક દિવસોમાં લગભગ ૩૦ હજાર ટન બટાકા ભારત પહોંચી જશે. તેમણે કહ્યું હતું કે, આયાત કરવાની સાથે સાથે આવતા મહિનાથી માર્કેટમાં આવનાર ખરીફ પાકના સપ્લાયની સમસ્યાને ઉકેલવા અને તેની વધતી કિંમતો પર અંકુશ મેળવવા માટે મદદ મળશે.
બટાકા બાબતે ગોયલે કહ્યું કે સમગ્ર દેશમાં તેની સરેરાશ કિંમત છેલ્લા ત્રણ દિવસથી ૪૨ રૂપિયે પ્રતિ કિલો પર સ્થિર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે લગભગ ૧૦ લાખ ટન બટાકાની આયાત કરવા જઈ રહ્યા છીએ. જેનાથી દેશમાં બટાકાના ભાવ પર નિયંત્રણ રાખી શકાશે.
છેલ્લા ૨૦ વર્ષમાં પ્રથમવાર બટાકાના ભાવ પ્રતિકિલો રૂ.૫૦ને આંબ્યા
બટાકાના ભાવ જે રીતે વધી રહ્યાં છે તેની પાછળ મુખ્યત્વે વર્તાઈ રહેલી અછત કારણભૂત છે. આશરે છેલ્લા ૨૦ વર્ષમાં પ્રથમવાર એવું બન્યું છે કે, બટાકાના ભાવ પ્રતિકીલોએ રૂ. ૫૦ ને આંબી ચુક્યા છે. બે વર્ષ પહેલા પ્રતિકીલોએ બટાકાના ભાવ રૂ. ૩૦ ને આંબ્યા હતા પણ ક્યારેય આવી તેજી જોવા મળી ન હતી. સ્થાનિક બજારોમાં બટાકાની આવક નહીં થતા ભાવ આસમાને પહોંચ્યા છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આશરે ૨૧૦૦ કવીંટલ બટાકાની આવક
છેલ્લા અમુક દિવસોમાં બટાકાની આવકમાં ધરખમ ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજરોજ રાજકોટની પોપટભાઈ સોરઠીયા માર્કેટિંગ યાર્ડ ખાતે બટાકાની કુલ ૧૦ ગાડીઓની આવક હતી જેમાં આશરે ૨૧૦૦ કવીંટલ બટેકાની આવક નોંધાઇ હતી. હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે બટેકાના જથ્થાબંધ ભાવ પ્રતિ ૨૦ કિલોએ રૂ. ૭૦૦ ને આંબ્યા હતા. રાજકોટ ખાતે મુખ્યત્વે ડિશાથી બટાકાની આવક થતી હોય છે.
આવતા વર્ષમાં નવા પાકની આવક બાદ જ ભાવ નિયંત્રણમાં આવે તેવી શકયતા
હાલ જે રીતે ભાવ આસમાને આંબ્યા છે તેને ધ્યાને રાખીને મુખ્યત્વે એક સવાલ સામે આવે કે કેટલા સમય સુધી ભાવ નિયંત્રણમાં આવશે તો તેનો એક જ સ્પષ્ટ જવાબ છે કે ક્યાં સુધી નવા પાકની આવક બજારમાં ન થાય ત્યાં સુધી બટેકાના ભાવને નિયંત્રણમાં લઈ શકાય નહીં પણ સરકારે આયાત કરવાની છૂટ આપતા અમુક અંશે ભાવ નિયંત્રણમાં આવે તેવી શકયતા છે.