ગરવા ગિરનારના સૌંદર્યંથી ઘેરાયેલા પસવાડા ડેમ પર નિર્માણ પામેલા અમૃત સરોવર ખાતે લોકો મોટી સંખ્યામાં ક્વોલીટી સમય પસાર કરવા આવે છે
ગરવા ગિરનારની ગોદમાં આવેલ સરકડીયા હનુમાનના દર્શનાર્થે અને પ્રકૃતિના ખોળે વિહારવા ઘણાં ભાવિકો-પ્રવાસીઓ જાય છે. આ માર્ગે જવામાં વધુ એક ફરવાનું રમણીય સ્થળ ઉમેરાયું છે, પસવાડા ડેમ…. આ નાની સિંચાઈ યોજના ગિરનાર પર્વતના તદ્દન કાંઠે છે, એટલે રમણીય નજારો તો છે જ. પરંતુ અમૃત સરોવર હેઠળ પસવાડા ડેમને આવરી લેતા પ્રાથમિક અને માળખાગત વિકસાવવાતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આમ, સેંકડો લોકો અહીં આવી રહ્યા છે અને ક્વોલિટી સમય પસાર કરવાની સાથે એક યાદગાર સંભારણાંનું ભાથું બાંધી રહ્યા છે.
પસવાડા ગામના સરપંચ જયસિંહ ભાટી કહે છે કે, અમૃત સરોવરના નિર્માણથી અમારા ગામનું વાતાવરણ બદલાઈ ગયું છે. દર મહિને સેંકડો લોકો અહિંયા આવે છે, ખાસ કરીને ભરપૂર કુદરતી સંપદા વચ્ચે સરકડીયા હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે. એટલે આ મંદિરે આવતા ભાવિકો-પ્રવાસીઓ હવે અમૃત સરોવરના સૌંદર્યને માણવા અચૂક આવે છે
તેઓ કહે છે કે, કદાચ ગુજરાતનું સર્વશ્રેષ્ઠ અમૃત સરોવરનું અમારા ગામમાં નિર્માણ થયું છે. જેથી ગ્રામલોકોમાં પણ એક ઉત્સાહભર્યું વાતાવરણ છે. આ અમૃત સરોવર ખાતે રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. હાઇસ્કુલ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકો પણ ટૂંકો પ્રવાસ કરવામાં આવે છે. અન્ય કાર્યક્રમની પણ અહીંયા શાનદાર ઉજવણી કરવામાં આવે છે. આ રમણીય સ્થળની કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ મુલાકાત લઈ ચૂક્યા છે.
ખાસ કરીને ચોમાસામાં અહીંયા વિશેષ દર્શનીય નજારો હોય છે, રાત્રિના સમયે પણ અહીંયા ફરવાની એટલી જ મજા પડે છે.
અમૃત સરોવરના નિર્માણ કાર્ય સાથે જોડાયેલા ટેકનીકલ આસિસ્ટન્ટ સંકેત સોનપાલ જણાવે છે કે, પસવાડા ડેમ ખાતે જવા માટે જૂનાગઢ-ભેસાણ રોડ પર આવેલ મેંદપરા ગામથી જઈ શકાય છે. આ પસવાડા ડેમને અમૃત સરોવર હેઠળ આવરી લેવાથી પસવાડા ગામની રોનકમાં વધારો થવાની સાથે એક નવી ઓળખ પણ મળી છે. અહી જુદા જુદા અનુદાનમાંથી અંદાજે રૂ. 14 લાખના ખર્ચે જમીન સમથળ કરીને પેવર બ્લોક, સોલાર લાઈટ, બેસવા માટે બાકડા વગેરે સુવિધા ઉભી કરવામાં આવી છે. આગામી સમયમાં વૃક્ષ વાવેતર કરવાની પણ યોજના છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર નિર્માણ કરવાનું આહવાન કર્યું હતું. જેથી જળસંચયને વેગ મળવાની સાથે લોકોને હરવાં ફરવાંનું એક રમણીય સ્થળ પણ મળી રહે. જે જૂનાગઢ જિલ્લામાં સાર્થક થઈ રહ્યું છે.