• નાગરિકોની સહભાગિતાથી રાજ્યમાં વન વિસ્તાર બહાર વર્ષ ૨૦૦૩ની સરખામણીમાં વર્ષ ૨૦૨૧માં
  • કુલ ૫૮.૩૬ ટકા વૃક્ષોની સંખ્યામાં વધારો નોંધાયો: વૃક્ષોની કુલ સંખ્યા ૩૯ કરોડથી વધુ
  • રાજ્યમાં ચાલુ વર્ષમાં કુલ ૮૯ વનકુટીર, ૨૭ પવિત્ર ઉપવન, ૬૬ કિસાન શિબિર અને ૬૭૦ સ્મશાન સગડી વિતરણ કરવાનું આયોજન

ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવા નાગરિકો પણ સહભાગી થઇ શકે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સામાજિક વનીકરણની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અનેક પ્રયાસો થકી રાજ્ય વધુ હરિયાળું બની રહ્યું છે.

રાજ્યમાં વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણને ધ્યાને રાખીને વન વિસ્તાર બહાર યોજાયેલી વૃક્ષ ગણતરીમાં વર્ષ ૨૦૨૧ મુજબ કુલ ૩૯.૭૫ કરોડ વૃક્ષો નોંધાયા છે, એટલે કે વર્ષ ૨૦૦૩ની સરખામણીમાં કુલ ૫૮.૩૬ ટકા વૃક્ષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વન વિસ્તાર બહાર વર્ષ ૨૦૦૩માં ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા જે નાગરિકોની સહભાગિતાથી વધીને વર્ષ ૨૦૨૧માં કુલ ૩૯.૭૫ કરોડ થયા છે. જ્યારે વન વિસ્તાર બહાર વૃક્ષોની ઘનતા વર્ષ ૨૦૦૩માં ૧૪.૧૦ વૃક્ષ પ્રતિ હેક્ટર હતી જે વર્ષ ૨૦૨૧માં વધીને ૨૫.૭૪ વૃક્ષ પ્રતિ હેક્ટર થઇ છે. ચાલુ વર્ષે રાજ્યમાં કુલ ૮૯ વનકુટીર, ૨૭ પવિત્ર ઉપવન, ૬૬ કિસાન શિબિર અને ૬૭૦ સ્મશાન સગડી વિતરણ કરવાનું આયોજન છે,તેમ વન વિભાગ દ્વારા જણાવાયું છે.

વધુમાં,આ વર્ષે ૭૫મો ‘વન મહોત્સવ’ આગામી તા.૨૬ જુલાઈના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશ પટેલની હાજરીમાં દેવભૂમિ દ્વારકાના ગાંધવી- હર્ષદ ગામ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા ૨૩માં સાંસ્કૃતિક ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરવામાં આવશે. સાથે-સાથે રાજ્યમાં ૩૩ જિલ્લા, ૮ મહાનગરપાલિકા, ૨૫૦ તાલુકા અને ૫,૫૦૦ ગ્રામીણ કક્ષાએ વન મહોત્સવ યોજવાનું આયોજન છે.

રાજ્યને વિવિધ સામાજિક વનીકરણની યોજનાઓ થકી વધુ હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે હરીત વસુંધરા યોજના હેઠળ ચાલુ વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૨૦૦ હેક્ટર વિસ્તારમાં વન કવચ વાવેતર કરવાનું આયોજન છે જ્યારે જૂન ૨૦૨૪ સુધીમાં ૨૩ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે. સાથે સાથે શેહરી વિસ્તારમાં કુલ ૨૦ અર્બન ફોરેસ્ટ નિર્માણ કરવાનું આયોજન છે. રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ કુલ ૩૧,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો થકી વાવેતર કરવાનું આયોજન છે જે પૈકી ૩૨૮ હેકટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજ્યમાં રસ્તાઓ ઉપર ટ્રી કવર વધારવા ‘હરિત વન પથ’ યોજના હેઠળ કુલ ૭૦ હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાનું આયોજન છે. જ્યારે પંચરત્ન ગ્રામ વાટિકા મોડલ હેઠળ રાજ્યના ૧,૦૦૦ ગામડાઓમાં ગામ દીઠ ૫૦ રોપા અને ૬૫ અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર મોડલ હેઠળ સરોવર દીઠ ૨૦૦ રોપાનું ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરાશે તેમ, વન વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.