રાજકોટ ડિવિઝને 1 એપ્રિલ 2021થી 20 ઓકટોબર 2021ના સમયગાળામાં નુર ટ્રાફિકમાં રૂા.1001.87 કરોડની નુર આવક મેળવવાનો સીમાચિહ્ન હાંસલ ર્ક્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 100 કરોડ રૂપિયા કમાવવાનું અંતર માત્ર 17 દિવસમાં પ્રાપ્ત થયું હતું. જે વર્તમાન નાણાકીય વર્ષમાં સૌથી ઝડપી છે. રાજકોટ વિભાગના વરિષ્ઠ ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યા અનુસાર ઉપરોક્ત સમયગાળા દરમિયાન રાજકોટ વિભાગ દ્વારા માલ ટ્રેનના 2234 રેકમાં 57.93 લાખ મેટ્રિક ટન માલ લોડ કરવામાં આવ્યો હતો.
રાજકોટ વિભાગમાંથી લોડ થતી મુખ્ય ચીજવસ્તુઓમાં મીઠુ, ક્ધટેનર, ખાતર, સીમેન્ટ, કોલસો, રસાયણો, પેટ્રોલીયમ પેદાશો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કપાસની ગાસડી, ચણા અને ઘઉં જેવી કેટલીક નવી વસ્તુઓ પણ ચાલુ નાણાકીય વર્ષમાં લોડ કરવામાં આવી હતી. જેના કારણે 1.22 કરોડની આવક થઈ છે. આ ઉપરાંત માલ ટ્રેનના 317 રેકના સંચાલનથી 130.07 કરોડની આવક ઉભી થઈ છે.
રાજકોટ ડિવિઝનના રેલવે મેનેજર અનિલ કુમાર જૈનના માર્ગદર્શન હેઠળ અને બિઝનેશ ડેવલોપમેન્ટ યુનિટના અથાગ પ્રયત્નોના કારણે સ્થાનિક વેપારીઓ અને અધિકારીઓ, નિરીક્ષકો દ્વારા 100થી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામથી રાજકોટ વિભાગે આ સિદ્ધી હાસલ કરી છે.