એપ્રિલ માસ અમદાવાદ માટે આફત સમાન : વધુ ૨૬૭ પોઝિટિવ, ૧૬ના મોત

રાજકોટમાં રાહત, સતત ત્રીજા દિવસે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નહિ

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.ગઈ કાલે ફરી એકવાર એક જ દિવસમાં રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા ૩૦૦ને પાર નોંધાઈ છે. અને વધુ ૨૨ દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે એપ્રિલ માસ અમદાવાદ માટે આફત ભર્યો રહ્યો છે. અમદાવાદમાં ગઈ કાલે વધુ ૨૬૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ ૧૬ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જ્યારે રાજકોટમાં રાહતના સમાચાર હોય સમાન સતત ત્રીજા દિવસે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં ગઈ કાલે પણ ૧૦જિલ્લાઓમાં ૩૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ ૨૨ દર્દીઓના મોત નિપજ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૭૨૧ થઈ ચૂકી છે. જ્યારે મૃત્યુઆંક ૨૩૬ પર પહોંચ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં ૨૬, વડોદરા ૧૯, મહિસાગર ૬, પંચમહાલમાં ૩, બનાસકાંઠા – બોટાદ – ગાંધીનગર- કચ્છ અને પાટણમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં પોઝિટિવ કેસની સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ વધતી રહી છે. અત્યાર સુધી નોંધાયેલા ૪૭૨૧ પોઝિટિવ કેસમાંથી ૭૩૬ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈ કાલે સોથી વધુ અમદાવાદમાં ૮૬, વડોદરામાં ૧૫, સુરત ૧૨, આણંદ ૬, સાબરકાંઠા ૨, દાહોદ ૧, ગીર સોમનાથ ૧, નવસારી ૧, પાટણ ૧ અને રાજકોટમાં ૧ લોકોએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.

Screenshot 1 1

એપ્રિલ માસ અમદાવાદ માટે આફતનું વાવાઝોડું લઇને આવ્યો હોવાનું પુરવાર થયું છે. એપ્રિલ માસની શરુયાતમાં માત્ર જૂજ પોઝિટિવ કેસ અને નહિવત મૃત્યુ નોંધાયા હતા. પરંતુ એપ્રિલ માસની પુર્ણાહુતીમાં આંકડાઓ ચિંતા જનક બની રહ્યા હતા. એપ્રિલ માસના અંત સુધીમાં કોરોના વાયરસના સંક્રમણમાં ૩૦૦૦થી વધુ લોકો ઝપેટમાં આવી ગયા છે. અને ૧૬૫ લોકોએ વાયરસના સંક્રમણમાં જીવ પણ ગુમાવ્યો છે. જ્યારે મેં માસના પ્રથમ દિવસે પણ કોરોનામાં વધુ ૨૬૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ૧૬ દર્દીઓને કોરોના ભરખી ગયો છે.

રાજકોટમાં કોરોના વાયરસના સંક્રમણમાં હોટસ્પોટ જંગલેશ્વર સિવાય અન્ય સ્થળોમાં ફેલાવો ન થતા શહેરને રેડઝોન માંથી ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સતત ત્રીજા દિવસે પણ કરવામાં આવેલા ૧૧૩ સેમ્પલ માંથી ૭૯ સેમ્પના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સતત ત્રીજા દિવસે પણ શહેરમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. અત્યાર સુધી રાજકોટમાં ૫૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને એક વૃદ્ધા નું મોત નિપજ્યું છે. જ્યારે ૧૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘર વાપસી કરી છે. હાલ લીધેલા ૧૧૩ સેમ્પલમાંથી ૭૯ નેગેટિવ અને અન્ય ૩૪ સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.