Abtak Media Google News

શનિવારે પણ 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપમાં નોંધાયો હતો

ફિલિપાઈન્સમાં સોમવારે વહેલી સવારે ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી.  નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપ સવારે લગભગ 01.20 વાગ્યે આવ્યો હતો.  તેનું કેન્દ્ર મિંડાનાઓમાં 82 કિમીની ઊંડાઈએ હતું.  સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિની   કોઈ માહિતી નથી.

ફિલિપાઈન્સમાં રવિવારે સાંજે પણ ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈ ગયા હતા.  આ ભૂકંપની તીવ્રતા 6.6 હતી.  તેનું કેન્દ્ર જમીનથી 56 કિલોમીટરની ઊંડાઈ પર હતું.  જો કે આ દરમિયાન કોઈ નુકસાનના સમાચાર નથી.  અહીં શનિવારે 7.6ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં એક સગર્ભા મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.  હકીકતમાં, સુનામીની ચેતવણી બાદ હજારો લોકો ગભરાઈને પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા.  આ દરમિયાન મહિલા તેના પરિવાર સાથે દિવાલ સાથે અથડાઈ હતી.

યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, મિંડાનાઓ ટાપુના દરિયાકિનારે 32 કિમીની ઊંડાઈએ આવેલા ભૂકંપની તીવ્રતા 7.6 માપવામાં આવી હતી.  આ પછી રવિવારે કેટલાક કલાકો દરમિયાન 6.0 થી વધુની તીવ્રતાના ચાર મોટા આફ્ટરશોક્સ આવ્યા હતા.  આ પછી, સમગ્ર પ્રશાંત ક્ષેત્રમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.  મિંડાનાઓના પૂર્વ કિનારે રહેવાસીઓએ ઇમારતો તેમજ હોસ્પિટલ ખાલી કરી.

યુએસ સુનામી ચેતવણી પ્રણાલીએ શરૂઆતમાં ફિલિપાઈન્સના દરિયાકાંઠાના ભાગોમાં ત્રણ મીટર (10 ફૂટ) સુધીના તરંગોની આગાહી કરી હતી, પરંતુ બાદમાં જાહેર કર્યું હતું કે સુનામીનો કોઈ ખતરો નથી.  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ ઉપલબ્ધ ડેટાના આધારે ભૂકંપથી સુનામીનો ખતરો હવે દૂર થઈ ગયો છે.  એક મીટર (3.2 ફૂટ) સુધીના સુનામીના મોજા જાપાનના દક્ષિણપશ્ચિમ કિનારે ત્રાટકે તેવી ધારણા હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.