જામનગરથી પરપ્રાંતિય શ્રમિકોને વતન જવા માટે સતત પશ્વિમ રેલ્વેના સહયોગથી યુ.પી.-બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટીતંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા આજરોજ જામનગર રેલ્વે જંકશન ખાતેથી અંદાજે ૧૬૦૦ જેટલા પરપ્રાંતિય મજુરોને તેમના પરિવારને બિહાર-દાનાપુર ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી ૧૨મી ટ્રેન મોકલવામાં આવી છે.
ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.
આ ટ્રેનમાં કુલ ૨૨ કોચ અને ૧ આગળ તથા ૧ પાછળ એસ.એલ.આર. કોચ જોડવામાં આવેલ છે. રેલ્વે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનીટાઈઝડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે.