- પાંચ દિવસીય રમતોત્સવમાં નવ ફિલ્ડ ઇવેન્ટ, છ ટીમ ગેમ અને ચાર ઇન્ડોર ગેમ્સ માટે અલગ અલગ ચાર ટીમો બનાવાઈ: પહેલા દિવસે રસ્સાખેંચમાં ડીસીપી ક્રાઇમ અને ડીસીપી હેડક્વાર્ટરની ટીમો વિજેતા
રાજકોટ શહેર પોલીસ દ્વારા ચોથા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસીય રરમતોત્સવનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે જેમાં અલગ અલગ નવ ફિલ્ડ ઇવેન્ટ, છ ટીમ ગેમ્સ અને ચાર ઇન્ડોર ગેમ્સ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. ચાર ટીમોમાં 450 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે ત્યારે પ્રથમ દિવસે યોજાયેલ રસ્સાખેંચ સ્પર્ધામાં ડીસીપી ક્રાઇમ અને ડીસીપી હેડક્વાર્ટરની ટીમો વિજેતા થઇ હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ રમત ગમતને પ્રોત્સાહન મળે તે હેતુથી તા. 14/12/2024 થી 18/12/2024 સુધી પાંચ દિવસ માટે શહેર પોલીસ ચોથો વાર્ષિક રમતોત્સવ-2024 નું આયોજન કરવામાં આવેલ છે. આ વાર્ષિક રમતોત્સવ ટ્રેક એન્ડ ફીલ્ડમાં 9 ઇવેન્ટ, ટીમ ગેમમાં 6 ઇવેન્ટ અને ઇન્ડોર ગેમ્સમાં 4 ઇવેન્ટ નો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં કુલ ચાર ટીમો ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન-1, ડીસીપી ઝોન-2, ડીસીપી પીએચકયુ બનાવવામાં આવેલ છે. જેમાં કુલ 450 જેટલા ખેલાડીઓ ભાગ લઇ રહેલ છે.
આ હરીફાઇની ઓપનીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ઉપસ્થિત રહેલ હતા. જ્યારે અન્ય અધિકારીઓમાં અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પુજા યાદવ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-02 જગદીશ બાંગરવા તેમજ તમામ એસીપી, પીઆઈ ઉપસ્થિત રહેલ હતા.
આ વાર્ષિક રમતોત્સવની પ્રથમ મેચ પુરૂષોની રસ્સાખેચની યોજાયેલ હતી. જેમાં ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન-1 ની ટીમોનો પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા ટોસ કરી ચાલુ કરાવવામાં આવેલ હતો. જેમાં ડીસીપી કાઇમ વિજેતા થયેલ હતી. જ્યારે બીજો મેચ ડીસીપી ઝોન-ર અને ડીસીપી પીએચકયુ વચ્ચે યોજાયેલ હતો જેમાં ડીસીપી પીએચકયુ વિજેતા જાહેર થયેલ હતી. જયારે ફુટબોલ પુરૂષ વિભાગમાં ડીસીપી ઝોન-2 વિ. ડીસીપી પીએચયુ વચ્ચે મેચ યોજાયેલ જેમાં ડીસીપી પીએચકયુ વિજેતા જાહેર થયેલ. જયારે ફુટબોલ પુરૂષ વિભાગમાં ડીસીપી ક્રાઇમ વિ. ડીસીપી ઝોન-1 વચ્ચે મેચ યોજાયેલ જેમાં ડીસીપી ઝોન-1 વિજેતા જાહેર થયેલ. અને મહિલામાં બાસ્કેટબોલ માં ડીસીપી ક્રાઇમ વિ. ડીસીપી ઝોન-1 અને ડીસીપી ઝોન-ર વિ. ડીસીપી પીએચકયુ વચ્ચે મેચ યોજાયેલ જેમાં ડીસીપી ક્રાઇમ અને ડીસીપી પીએચકયુ વિજેતા જાહેર થયેલ હતી.