રાજ્યના ચેરિટી કમિશનર દ્વારા હાલની પૂરની સ્થિતિને પગલે નોંધાયેલા ૩.૨૫ લાખ ટ્રસ્ટોને મદદ કરવા આહવાન કરાયું છે. જેમાં જે ટ્રસ્ટો મુખ્યમંત્રી રાહતનિધિમાં જે કોઈ રકમ જમા કરાવશે તે રકમ અન્વયે પહોંચ રજૂ કર્યેથી વાર્ષિક હિસાબોમાં રાહત આપવાની ખાતરી અપાઈ છે. ટ્રસ્ટો હકારાત્મક અભિગમ દાખવી રાજ્યમાં આવેલી પૂરની સ્થિતિમાં મદદ કરે તે માટે આહવાન કરાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં સવા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટો નોંધાયેલા છે. રાજ્યમાં જ્યારે પણ કુદરતી આફત આવે ત્યારે ટ્રસ્ટો ભેગા મળી મદદે ઊમટી પડતા હોય છે. જેથી હાલની રાજ્યમાં આવેલી પૂરની સ્થિતિ સામે પણ ટ્રસ્ટોને એક થઈ મદદ માટે આગળ આવવા રાજ્યના ચેરિટી કમિશનર વાય.એમ. શુક્લાએ હાકલ કરી છે. હાલમાં સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિ અને તેમાં જાનમાલ અને પશુઓને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. રસ્તાઓ પણ તૂટી ગયા છે ત્યારે સરકાર તમામ બાબતોને નીવેડો લાવે તે અપેક્ષા વધુ પડતી છે. જેથી સરકાર સાથે ખભેખભા મિલાવી આ કાર્યમાં સાથ આપવા ટ્રસ્ટોને તેમણે અપીલ કરી છે.

ટ્રસ્ટોનું ઉદભવ જ સમાજ કલ્યાણ માટે થયું છે ત્યારે ભોજનાલય શરૂ કરવા, કપડા, વસ્તુ અને દવાઓ તેમજ તબીબી સારવાર પૂરી પાડવી અને જો નાણાકીય સહાય કરવા માંગતા હોય તો જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરી જરૂરિયાત મુજબ મદદ કરી શકાય તેવી સલાહ પણ આપી હતી. સમૃદ્ધ ટ્રસ્ટોએ મુખ્યમંત્રી રાહતનિધિમાં ફાળો આપવો જોઈએ તેમ પણ ટ્રસ્ટોને કરવામાં આવેલા આહવાનમાં ચેરિટી કમિશનરે જણાવ્યું હતું. મુખ્યમંત્રી રાહતનિધિમાં જે કોઈ પણ રકમ જમા કરાવવામાં આવશે તે રકમ અન્યવે પહોંચ રજૂ કર્યેથી વાર્ષિક હિસાબોમાં એ રકમ બાદ આપવા અન્યવે ઉદાર દિલ રાખવામાં આવશે તેમ ચેરિટી કમિશનરે ટ્રસ્ટોને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.