ઓણસાલ ભારે પાણીના પ્રવાહને કારણે મોટાભાગની જમીન ધોવાણની સાથે-સાથે અનેક ચેક ડેમો તુટી જવાના બનાવ બન્યા છે ત્યારે શહેરની મોજ નદીમાં બનાવવામાં આવેલ કોઝ-વે તુટી જતા ખેડુતોને ખેતરે જવામાં પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે. શહેરમાં જુના ચીખલીયા રોડ તરીકે ઓળખાતો ભુતડાદાદાના મંદિર તરફ જવાના માર્ગ મોજ નદીમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કોઝ-વે પુલ પર કપાસની ભરેલ ગાડીઓ તેમજ ભારે લોડર વાહન ચાલવાને ઘણા દિવસોથી નબળો પડયો હતો પણ ઓણસાલ મોજડેમ ઉપરના વિસ્તારમાં ભારે વરસાદને કારણે મોજ ડેમના ૧૭ જેટલા પાટીયા ખોલવાને કારણે જર્જરીત હાલતમાં રહેલ કોઝ-વે પુલ ભારે પાણીના પ્રવાહને કારણે તુટી જતા આ વિસ્તારમાં આવેલ ખેડુતોના ખેતરે જયાં પારાવાર મુશ્કેલી ઉભી થઈ છે.
કોઝવે તુટી જવાને કારણે ખેડુતોને ખેતરે જવા માટે ટ્રેકટર, બળદગાડા તેમજ અન્ય ખેતસાધનો લઈ જઈ શકાતા નથી. આ પુલ તુટી જતા ભારે પાણી હોવાથી ખેડુતોને ખેતરે જવા માટે નજીકના રસ્તા બંધ થઈ જવા પામેલ છે. ખેડુતોને ખેતરમાં ફરીને જવાથી ભારે પરેશાની ભોગવવી પડી છે.