મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત 14 સભ્યોનો પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ
પ્રદેશ કોર ગ્રુપમાં વિજયભાઇ રૂપાણીને સ્થાન ન અપાયું: 12 સભ્યોનો સમાવેશ કરાયો
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ ભાજપ કોર ગ્રુપના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. 14 સભ્યોના પાર્લામેન્ટરી બોર્ડમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 12 સભ્યોના કોર કમિટી ગ્રુપમાં વિજયભાઇને સ્થાન આપવામાં આવ્યું નથી.
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમા કુલ 14 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, ભુપેન્દ્રભાઇ ચુડાસમા ઉપરાંત સુરેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજેશભાઇ ચુડાસમા, કાનાજી ઠાકોર, ડો.કિરીટભાઇ સોલંકી અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા ડો.દિપીકાબેન સરડવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે 12 સભ્યોના પ્રદેશ ભાજપ કોર ગ્રુપમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને પ્રવક્તા જીતુભાઇ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ, રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડા, પ્રદિપસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, ગણપતભાઇ વસાવા, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને સાંસદ રંજનબેન ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે રાજ્યમાં ફરી સત્તારૂઢ થવાના બુલંદ ઇરાદા સાથે જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે. ગઇકાલે આર્થિક વ્યવસ્થાપન સમિતિ અને અનુશાસન (શિસ્ત) સમિતિની રચના કરાયા બાદ આજે પાર્લામેન્ટરી બોર્ડ અને કોર કમિટીની રચના કરી દેવામાં આવી છે.