રૂા.૨૦૦ કરોડ સુધીના ટેન્ડર હવે ગ્લોબલ ટેન્ડર નહીં ગણાય: સ્થાનિક કંપનીઓને લાભ અપાશે
નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ વેપારીઓના વિકાસ માટે સરકારે ઐતિહાસિક રાહત પેકેજની ઘોષણા કરી છે. જેના અનુસંધાને સરકાર જામીનગીરી વગર નાના વેપારી-ઉદ્યોગકારોને લોન મળે તે માટે ૩ લાખ કરોડનું પેકેજ તૈયાર કર્યું છે. ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારમને આ પેકેજમાં અપાનાર વિવિધ પાસાની માહિતી આપી હતી. આ ઉપરાંત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ રૂા.૨૦૦ કરોડ સુધીના પ્રોજેકટના ટેન્ડર માત્ર ભારતીય કંપનીઓ ભરવા પાત્ર રહેશે. પરિણામે દેશમાં રોજગારીનું સર્જન થશે અને સ્થાનિક કંપનીઓને વધુ નાણાકીય ફાયદો થશે.
સરકારની નવી રાહત યોજના મુજબ લોન માટે નાના અને મધ્યમ ઉદ્યોગોને ગેરંટરની જરૂર રહેશે નહીં. એમએસએમઈ સહિતના બિઝનેશ માટે રૂા.૩ લાખ કરોડની કોલેટરલ ફ્રી ઓટોમેટીક લોનની વ્યવસ્થા થશે. કાચો માલ ખરીદવા અને રિ-સ્ટાર્ટ થવા લોન અપાશે. રૂા.૨૫ કરોડ સુધીની લોન બાકી હોય તેવા અને રૂા.૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતા હોય તેવા ઉદ્યોગોને લોન મળશે. લોનની મુદત ૪ વર્ષની રહેશે અને ૧૨ મહિના પ્રિન્સીપાલ રિ-પેમેન્ટમાંથી મુક્તિ અપાશે. પ્રિન્સીપાલ અને ઈન્ટ્રેસ પર બેંકો અને એનબીએફસીને ૧૦૦ ટકા ક્રેડીટ ગેરંટી કવર અપાશે. આ યોજનાનો લાભ ૩૧ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી લઈ શકાશે. લોન માટે ગેરંટરની જરૂર રહેશે નહીં. ૪૫ લાખ એકમોને યોજનાનો લાભ મળશે.
આ ઉપરાંત એમએસએમઈ સેકટર માટે સરકાર રૂા.૨૦ હજાર કરોડના સબ ઓર્ડીનેટ ડેપ્ટની જોગવાઈ કરશે. એનપીએમાં સામેલ કરાયેલા નાના અને મધ્યમ ઉદ્યોગોને લોન મળશે. સીજીટીએમએસઈને સરકાર દ્વારા રૂા.૪ હજાર કરોડની સહાય થશે. એમએસએમઈના પ્રમોટર્સને બેંકો દ્વારા ઋણ અપાશે. બીજી તરફ લાંબા સમયથી નાના અને લઘુ ઉદ્યોગોને નવી વ્યાખ્યા આપવાની માંગ સરકારે સ્વીકારી લીધી છે. નવી વ્યાખ્યા અંતર્ગત મુડી રોકાણની મર્યાદા વધારાઈ છે. ૨૫૦ કરોડ સુધીના ઉદ્યોગને મધ્યમ ઉદ્યોગ ગણવામાં આવશે. જેથી ઉદ્યોગોને સરકારની યોજનાનો મહત્તમ લાભ મળશે. આ સાથે જ રૂા.૨૦૦ કરોડ સુધીના ટેન્ડરને ગ્લોબલ ટેન્ડર ગણાશે નહીં. જનરલ ફાયનાન્સીયલ નિયમોની અમલવારી થશે. ટ્રેડ ફેર અને પ્રદર્શનોના સ્થાને એમએસએમઈને પ્રમોટ કરવા ઈ-માર્કેટ લીંક શરૂ કરાશે.
લોકડાઉનમાં ‘લોક’ થયેલા રિયલ એસ્ટેટ પ્રોજેકટોને રેરામાં રાહતો
૨૫ માર્ચના રોજ પુરા થતાં પ્રોજેકટને છ મહિનાનું એકસ્ટેન્શન
સરકારે મહામારીના કારણે મૃતપ્રાય બનેલા ભારતીય અર્થતંત્રમાં નવો શ્ર્વાસ ફૂંકવા અને દેશને આત્મનિર્ભર બનાવવા રૂા.૨૦ લાખ કરોડના આર્થિક પેકેજ અંતર્ગત અનેકવિધ જાહેરા કરી છે. ગઈકાલે નાણા પ્રધાન નિર્મલા સીતારમને એમએસએમઈ માટે રૂા.૩ લાખ કરોડની કોલેટરલ ફ્રી લોનની ઘોષણા કરી હતી. આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેકટરને પણ રાહત મળે તેવી કેટલીક જાહેરાતો થઈ હતી. જે મુજબ ૨૫ માર્ચ ૨૦૨૦ના રોજ પુરા થતાં પ્રોજેકટને ૬ મહિનાનું એકસ્ટેન્શન આપવામાં આવ્યું છે. ૬ મહિના ઉપરાંત રાજ્યની સ્થિતિ મુજબ વધુ ૩ મહિનાનું એકસ્ટેન્શન મળી
શકે છે. કોરોનાની મહામારીના પગલે અનેક બાંધકામ પ્રોજેકટો અટવાયા છે. લાંબા સમયથી પ્રોજેકટમાં બિલ્ડરોના નાણા ફસાઈ જશે તેવી દહેશત છે. દરમિયાન રેરાના નિયમોમાં પ્રોજેકટો ગુંચવાય ન જાય તેની તકેદારી રાખવી પણ જરૂરી છે. જેથી સરકારે રિયલ એસ્ટેટ ડેવલોપર્સને પણ મોટી રાહત આપી છે. ૨૫ માર્ચ ૨૦૨૦ના રોજ પુરા થતાં પ્રોજેકટને ૬ મહિનાનું એકસ્ટેન્શન જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમને નાણાકીય વર્ષ ૨૦૨૧ માટેના ઈન્કમટેકસ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩ મહિના સુધી લંબાવવાની જાહેરાત કરી છે. વિવાદ સે વિશ્ર્વાસ સ્કીમની જોગવાઈ પણ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે.