• 27 માર્ચ સુધી નામાંકન દાખલ કરી શકાશે, ત્યારબાદ 28 માર્ચે નામાંકનપત્રોની ચકાસણી થશે, 30 માર્ચ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે : મુરતિયાઓમાં થનગનાટ

17 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચૂંટણીના ઢોલ ઢબુક્યાં છે. પ્રથમ તબક્કાની 102 બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયું છે. જેથી આજથી જ  ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રીગણેશ થઈ ગયા છે. જેને લઈને મુરતિયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તબક્કામાં 17 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. આ તબક્કામાં જે રાજ્યોમાં લોકસભાની બેઠકો માટે મતદાન થવાનું છે તે રાજ્યો માટે ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. જે અંતર્ગત દેશભરમાં સાત તબક્કામાં મતદાન થશે.

પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલ, બીજા તબક્કા માટે 26 એપ્રિલ, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, પાંચમા તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે અને 1 જૂને સાતમો તબક્કામાં થશે મતદાન. પરિણામ 4 જૂને આવશે. ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, મુક્ત અને સુરક્ષિત લોકસભા ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચ સુધી નામાંકન દાખલ કરી શકાશે. 28મી માર્ચે નામાંકનપત્રોની ચકાસણી થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે.

કઈ રાજ્યોની કેટલી બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ ?

પ્રથમ તબક્કામાં તમિલનાડુમાંથી 29, રાજસ્થાનમાંથી 12, ઉત્તર પ્રદેશમાંથી 8, મધ્યપ્રદેશમાંથી 6, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રમાંથી 5-5, બિહારમાંથી 4, પશ્ચિમ બંગાળમાંથી 3, અરુણાચલ પ્રદેશ, મણિપુરમાંથી 2-2 મેઘાલય. અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં 1-1 સીટ પર જાહેરનામું પ્રસિદ્ધ થયુ છે.

જાહેરનામું પ્રસિદ્ધ થતા જ તંત્ર એલર્ટ : લો એન્ડ ઓર્ડર જાળવવા મોટી કવાયત

ચૂંટણી પંચ સુરક્ષા સંવેદનશીલ રાજ્યો અને ઘટનાઓની સંભાવના ધરાવતા મતવિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને તૈનાત કરી રહ્યું છે. તમામ જિલ્લાઓમાં સંકલિત કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી રહ્યા છે, જે સાત દિવસ અને 24 કલાક કામ કરશે. સંવેદનશીલ મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા આપવામાં આવશે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને, તમામ પોલીસ સ્ટેશનો તેમના સંબંધિત અધિકારક્ષેત્રમાં લાયસન્સવાળા હથિયારો જમા કરાવી રહ્યા છે. ગુનાહિત છબી ધરાવતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.