- કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદમાં કરાશે તારીખો જાહેર: ગુજરાત વિધાનસભાની બે બેઠકો માટે પેટા ચૂંટણી તારીખ જાહેર થવાની સંભાવના
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની વિસાવદર અને વાવ બેઠકની પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. નવેમ્બર માસના અંતમાં મતદાન થવાની શકયતા હાલ દેખાય રહી છે.
વર્ષ 2019માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળી હતી. મુખ્યમંત્રી પદને લઈ મડાગાંઠ સર્જાતા ઉધ્ધવ ઠાકરેએ એનસીપી અને કોંગ્રેસનો ટેકો લઈ સરકાર બનાવી હતી. અને મુખ્યમંત્રી બન્યા હતા જોકે અઢી વર્ષ બાદ સરકાર તુટી હતી એકનાથ શિંદે સહિતના ધારાસભ્ોએ બળવો કર્યો હતો અને ભાજપને સાથ આપ્યોહતો. હાલ મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજીતજૂથ)ની સરકાર છે. લોકસભાની ચૂંટણીમાં હરિફ જૂથનો હાથ ઉપર રહ્યો હતો. ઝારખંડમાં ઝારખંડ મૂકિત મોરચાની સરકાર છે. સોરેન ફરી મુખ્યમંત્રી બન્યા છે.
આજે બપોરે 3.30 કલાકે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. સાથોસાથ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની શકયતા છે. ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપતા વિસાવદર વિધાનસભા બેઠક અને બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટાય સાંસદ બનતા ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ બંને બેઠકો માટે આજે ચૂંટણીની તારીખો જાહેર થશે.