કોંગ્રેસે ત્રણ મહિલા, ભાજપે બે મહિલા-એક પુરૂષને આપી ટિકિટ
કોલકીમાં જેન્તીલાલ સામે સરોજબેન જંગ ખેલશે: મોટી પાનેલીમાં કાંટે કી ટકકરમાં જયશ્રીબેન સામે મીરાબેનને મેદાનમાં ઉતારતું કોંગ્રેસ: ડુમિયાણીમાં ભાજપનાં પુરૂષ સામે કોંગ્રેસની મહિલાએ ઝુકાવ્યું
રાજયભરની મોટાભાગની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના મૂરતીયા પસંદગીની પ્રક્રિયા લગભગ પુરી થઈ ગઈ છે.ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉપલેટા તાલુકાની કોલકી, મોટીપાનેલી અને ડુમીયાણી બેઠક ઉપર બંને પક્ષોએ ઉમેદવારોના નામ જાહેર કરી દેતા આવતીકાલે ફોર્મ ભરવાનં અંતિમ દિવસ હોય ત્યારે કોંગ્રેસે ત્રણેય બેઠક ઉપર મહિલાને ઉતારી પ્રાધાન્ય આપ્યું છે. જયારે ભાજપે બે મહિલા અને એક પુરૂષને મેદાનમાં ઉતાર્યા છે. ગઈકાલે જાહેર થયેલા ઉમેદવારોમાં કોલકી બેઠક ઉપરથી બંને પક્ષ કડવા પટેલ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં કોંગ્રેસમાંથી ભાયાવદર નગર પાલીકાના પ્રમુખ નયનભાઈ જીવાણીના પત્ની સરોજબેન જીવાણીને ટિકીટ આપી જંગમાં ઉતાર્યા છે. આ બેઠક ઉપર બે બળીયાની લડાઈમાં ત્રીજો ઉમેદવાર ફાવી જતા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી જેન્તીભાઈ મોહનભાઈ બરોસીયાને મેદાનમા ઉતાર્યા છે. જયારે મોટી પાનેલી બેઠક ઉપર કડવા અને લેઉવા પટેલ સમાજના ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે જેમાં કોંગ્રેસ તરફી મોટી પાનેલી યુવાનોના લાડીલા જતીનભાઈ ભાલોડીયાના પત્ની મીરાબેન ભાલોડિયાને ટકકર માટે ઉતાર્યા છે. જયારે ભાજપ ઢાંકના પીઢ આગેવાન જતિનભાઈ ગેડીયાના પુત્રવધુ જયશ્રીબેન વિપુલભાઈ ગેડિયાને જંગમાં ઉતારી આ બેઠકને ભારે રસાકસી ભરી બનાવી દીધી છે. જયારે ડુમીયાણી બેઠક ઉપર બંને પક્ષે આહિર સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તેમાં કોંગ્રેસ તરફથી વર્તમાન તાલુકા પંચાયતના સભ્ય ગીતાબેન રણજીતભાઈ ચાવડાને ઉતારી ભાજપને પડકાર ફેંકયો છે. ભાજપે તાલુકાના પીઢ અગ્રણી નાથાભાઈ સુવાના પત્ની જાહીબેનને મેદાનમાં ઉતારી ચૂંટણી કાંટે કી ટકકર સમાન બનશે. ગઈકાલે બંને પક્ષોએ જિલ્લા પંચાયતની ત્રણ સીટના ઉમેદવારો જાહેર કરતા મોટાભાગના ઉમેદવારોએ ગઈકાલે પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા હતા જયારે બાકીનાં ઉમેદવારો આજે પોતાના ઉમેદવારી પત્રો ભરશે.