અબતક, હિતેશ ગોસાઈ, જસદણ
રાજકોટ જિલ્લા પંચાયતની ખાલી પડેલી શિવરાજપુર અને સાણથલીની બે બેઠકોની પેટા ચૂંટણીની આજે રાજય ચૂંટણી પંચે જાહેરાત કરતાની સાથે જ ભાજપ – કોંગ્રેસ સહિતનાં રાજકોય આગેવાનોમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આ બંને બેઠક પર વિજેતા થયેલા ઉમેદવારનો કોરોનાએ ભોગ લેતા બેઠક ખાલી પડી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકોની ગત ફેબુ્રઆરીમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ભાજપે રપ અને કોંગ્રેસે ૧૧ બેઠકો મેળવી હતી. સાણથલી બેઠક પર ભાજપનાં મહિલા ઉમેદવાર નિર્મળાબહેન ભુવા વિજેતા થયા હતા અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર રણજીત મેણીયા જીત્યા હતા.
કોરોનાની બીજી લહેરમાં આ બંને ઉમેદવારોનાં અવસાન થતા ટુંકા ગાળામાં જ આ બંને બેઠકો ખાલી પડી હતી. ખાલી પડેલી બે બેઠકોમાં એક ભાજપ પાસે અને એક કોંગ્રેસ પાસે હતી. દરમિયાન આજે રાજય ચૂંટણી પંચે શિવરાજપુર અને સાણથલી બેઠકની પેટાચૂંટણી તા. ૩ ઓકટોબરે જાહેર કરી છે. નવરાત્રિ પૂર્વે મતદાન થઈ જશે. તા. ૧૩ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. તા. ૩ જીએ મતદાન અને તા. પ મીએ મતગણતરી હાથ ધરાશે. બંને બેઠક જસદણ તાલુકાની હોય ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનોએ બેઠકોનો દોર શરૂ કર્યો છે. ભાજપમાં ઉમેદવારોની પસંદગીમાં જૂથવાદ નડી રહયો છે.