રાજ્યની ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો શનિવારે છેલ્લો દિવસ: કાલથી ફોર્મ ભરવાનો ધમધમાટ પુરજોશમાં શરૂ થાય તેવી સંભાવના
રાજ્યની ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયત માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો શનિવારે અંતિમ દિવસ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ચાર દિવસીય બેઠક ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જવા પામી છે. દરમિયાન આજે કોઈપણ ઘડીએ ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે. મહાપાલિકાના ઉમેદવારો જાહેર કરાયા બાદ પક્ષમાં મચેલા ઘમાસાણ બાદ હવે કોંગ્રેસ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવાના બદલે ઉમેદવારને ડાયરેકટ મેન્ડેટ પકડાવે તેવી સંભાવના જણાય રહી છે. કાલથી પુરજોશમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ થઈ જાય તેવું લાગી રહ્યું છે.
રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે ૨૧મી ફેબ્રુઆરી જ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ૨૮મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે. ગત સોમવારે પાલિકા અને પંચાયતની ચૂંટણી માટેનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તમામ મથકો પર ઉમેદવારી ફોર્મ ઉપાડવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી ભાજપ-કોંગ્રેસે પોતાના ઉમેદવારોની સત્તાવાર ઘોષણા કરી ન હોવાના કારણે અન્ય રાજકીય પક્ષો કે ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી પરત રજૂ કર્યા નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ચાર દિવસથી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનો ધમધમાટ ચાલ્યો હતો જે ગઈકાલે સાંજે પૂર્ણ થયો હતો. મોટાભાગની બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. હવે ચાર-ચાર નામની પેનલ સામેના ખાલી ખાનામાં માત્ર ઉમેદવારોના નામ લખવાનું જ બાકી રાખવામાં આવ્યા છે. આજે કોઈપણ ઘડીએ ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે. છ મહાપાલિકા માટે ભાજપે એક જ દિવસમાં ૫૭૬ નામોની ઘોષણા કરી એક ઈતિહાસ બનાવી લીધો હતો. આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા બપોરે પત્રકાર પરિષદ કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. ત્યારબાદ તબક્કાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે જે નિયમો બનાવ્યા છે જેવા કે ૬૦ વર્ષથી ઉપરના કાર્યકરને ટિકિટ ન આપવી, સતત ત્રણ ટર્મથી ચૂંટાતાને રીપીટ ન કરવા અથવા પક્ષના આગેવાનોના સગા-વ્હાલાને ટિકિટ ન આપવી તેની અમલવારી કરવામાં આવશે.
બીજી તરફ કોંગ્રેસમાં કકડાટ થવાની ભીતિ અથાવત છે. મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની ઘોષણા કરાયા બાદ તમામ છ મહાનગરપાલિકામાં કોંગ્રેસમાં ભારે ભડકો થયો હતો. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ કેટલાક ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસે મતદાન પહેલા કેટલીક બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં આવું ન બને તે માટે કોંગ્રેસ ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવાના બદલે તમામને ડાયરેકટ મેન્ડેટ પકડાવી દેશે. જેનાથી વિરોધ થવાની સંભાવના ઘટી જશે. જો કે કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી ઉમેદવારો ફાઈનલ ન કરી શકે તેવી સંભાવના હાલ વર્તાઈ રહી છે. ભાજપમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ૫૦ ટકા નવા ચહેરા હશે તેવું માનવામાં આવી રહ્યું છે.
ચૂંટણીનો માહોલ જામતો નથી પક્ષો-ઉમેદવારોની ચિંતા વધી
પ્રચારમાં મતદારો મન આપતા નથી: કોરોનાની ગાઈડ લાઈનના કારણે પ્રચાર પણ વ્યવસ્થિત વેગ પકડી શકતો ન હોવાના કારણે સ્થિતિ વધુ કફોડી
રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના આડે હવે ગણીને ૧૦ દિવસ બાકી રહ્યાં છે. છતાં હજુ રાજકોટ સહિત એક પણ શહેરમાં ચૂંટણીનો માહોલ જામતો ન હોવાના કારણે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી માહોલ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. મતદારો પણ મન આપતા ન હોવાના કારણે ભારે કફોડી સ્થિતિ બની રહી છે. બીજી તરફ કોરોનાની ગાઈડ લાઈનમાં ડોર ટુ ડોર પર પ્રચાર અને રોડ-શોમાં પાબંદી હોવાના કારણે ઉમેદવારની ચિંતા વધી રહી છે.
સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખી લડવામાં આવતી હોય છે. જેમાં જે તે વોર્ડ કે વિસ્તારમાં પાયાની સુવિધા પણ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બની જતો હોય છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચતાની સાથે જ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ક્યાં વોર્ડમાં કેટલા ઉમેદવારો છે તે વાત પરથી પણ પડદો ઉંચકાઈ ગયો છે. ગત સપ્તાહે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જે તે રાજકીય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ચૂંટણી લડતા ઉમેદવારોએ જોર-શોરથી પોતાના વોર્ડ કે વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ લોકોમાં હજુ ચૂંટણીનો માહોલ પકડાયો નથી. એક પણ વોર્ડ કે વિસ્તારમાં પ્રજાનું જોઈએ તેવું સમર્થન મળતું નથી. લોકો આવકાર ચોક્કસ આપે છે પરંતુ જેવો ઉમળકો જોઈએ તેવો દેખાતો નથી. બીજી તરફ કોરોનાની ગાઈડ લાઈનના કારણે રાજ્ય સરકાર દ્વારા ડોર ડુ ડોર પ્રચારમાં પણ માત્ર ૫ વ્યક્તિ જઈ શકશે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે જે અસર કરી રહ્યો છે. અમુક સોસાયટીઓ કે મોટી બિલ્ડીંગોમાં રાજકીય પક્ષોના ઉમેદવારોએ પ્રચાર માટે આવવું નહીં તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે જે પણ ઉમેદવારોની ચિંતામાં સતત વધારો કરી રહ્યાં છે.
આગામી ૧૯મીએ સાંજે પ્રચારના ભુંગળા સંપૂર્ણપણે શાંત થઈ જશે. આવામાં પ્રચાર માટે હવે ગણીને માત્ર ૯ દિવસ જ હાથમાં રહ્યાં છે છતાં એકપણ શહેરમાં ચૂંટણીનો માહોલ દેખાતો નથી. છેલ્લા એક સપ્તાહમાં થોડુ ઘણું ચૂંટણી જેવો માહોલ ઉભો થશે ત્યાં પ્રચાર માટેનો સમય ખુબજ ઓછો રહેશે. વોર્ડના સીમાડા વધી ગયા છે. આવામાં ટૂંકા દિવસોમાં લોકસંપર્કમાં લઈ શકાય તેમ નથી તેવામાં લોકો ચૂંટણીથી વિમુખ થઈ ગયા હોય રાજકીય પક્ષો હવે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનું મન બનાવી રહ્યાં છે.