અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭ માં કુલપતિની ત્રણ વર્ષના કાર્યકાળની મુદત આગામી ફેબ્રુઆરી ૨૦૨૨માં પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા નવા ૧૮માં કુલપતિની શોધ માટેની કામગીરી શરુ કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર યુનિવર્સિટી દ્વારા એક સર્ચ કમિટીની રચના કરવામાં આવશે. આ સર્ચ કમિટી સૌરાષ્ટ્ર યુનિ.ના ૧૮માં કુલપતિની શોધ કરશે.હાલમાં આ કમિટીની રચના માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને પ્રથમ સભ્ય તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યાની અકેડમિક અને સિન્ડિકેટ સભ્યો દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલમાં ૧૭ માં કુલપતિની ડો. નીતિન પેથાણી છે. જેમના ત્રણ વર્ષના કાર્યકાળની મુદત આગામી તા.૧૭.૨.૨૦૨૨ના રોજ પુરી થાય છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિ.માં નિયમ છે કે કુલપતિના કાર્યકાળની મુદત પૂરી થાય તેના છ મહિના અગાઉ જ નવા કુલપતિની પસંદગી માટે સર્ચ કમીટીની રચના કરવામાં આવે છે.
જેથી આ નિયમ મુજબ છ મહિના અગાઉ ૧૮ માં કુલપતિની પસંદગી કરવા માટે સર્ચ કમીટી રચવી જરૂરી છે. જેથી તેની પ્રક્રિયા યુનિ. દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ય વિગતો અનુસાર આ ત્રણ સભ્યોની સર્ચ કમીટીમાં એક સભ્ય યુનિ.એ પસંદ કરવાનો હોય છે. જયારે અન્ય એક રાજભવનમાંથી તેમજ બીજાની જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલર દ્વારા પસંદગી કરવામાં આવે છે. જેની કામગીરી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે.
હવે જ્યારે પ્રથમ સભ્યની નિમણુંક કરી દેવામાં આવી છે અને હબે ૧ માસ બાદ જોઈન્ટ બોર્ડ ઓફ વાઈસ ચાન્સેલરની મીટીંગ મળશે ત્યારે બીજા સભ્યની નિમણુંક થશે અને ત્યારબાદ રાજ્યપાલ દ્વારા ત્રીજા સભ્યની નિમણુંક કરવામાં આવશે.