રાહત જાહેર નહી થાય તો આંદોલન: વડોદરામાં મધ્યમ વર્ગ સેનાની મુખ્યમંત્રીને રજૂઆત
લોકડાઉનમાં મધ્યમ વર્ગની કમર તુટી ગઈ હોય મધ્યમવર્ગને રાહત આપવા ગુજરાત સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી મધ્યમ વર્ગ સેનાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવેદન પત્ર પાઠવી મધ્યમ વર્ગ સેનાએ જણાવ્યં છે કે છેલ્લા બે મહિનાથી કોરોનાવાયરસ ના કારણે ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે. દરેક ના ધંધા રોજગાર નોકરી બધું જ બંધ છે. બધા જ આવકના સાધનો બંધ છે પણ જીવનજરૂરિયાત નો ખર્ચ બંધ થયો નથી.
લોકડાઉન સરકારે જાહેર કર્યું ત્યારથી જ દરેક વર્ગની કમર તૂટી ગઈ છે. તેમાં મધ્યમ વર્ગના લોકો જે નાનો ધંધો કે નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તે લોકોને ગેસ બિલ, લાઈટ બિલ, શિક્ષણ ફી, લોનના વ્યાજ, ઘરનું ભાડું, ખાવાનો ખર્ચો અને અન્ય ખર્ચા છેલ્લા બે મહિનાથી ચાલુ જ છે. તો આવતા ખર્ચમાં રાહત આપવા માટે સરકારે કોઈ પેકેજ જાહેર કરવું જોઈએ એવી દરેકની માંગ હતી.
કેન્દ્ર સરકાર ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું તે મુજબ ભારતમાં ૧૩૦ કરોડ નાગરિકોને દરેકને ૧૫૩૮૫ રૂપિયાનો લાભ મળે. પરંતુ આ પેકેજમાં માત્ર લોન માટે જ મોટો ભાગ રાખવામાં આવ્યો છે તેથી મધ્યમ વર્ગ પોતાના રોજ બરોજના ખર્ચા કાઢી શકે તેવી પરિસ્થિતિ માં નથી.તેથી મધ્યમવર્ગ સેનાના પ્રમુખ અમિત ઘોટીકર , હર્ષલ અકોલકાર, પૂર્વેશ બોરોલે દ્વારા દ્વારા મધ્યમ વર્ગ માટે ત્રણ મહિનાનું લાઈટ બિલ, ત્રણ મહિનાનું ગેસ બિલ, શિક્ષણ ફી અને ચાલી રહેલા લોનના વ્યાજ ત્રણ મહિના માટે માફ કરવામાં આવે. તેવી માગણી સાથે કલેકટર થકી મુખ્યમંત્રી ને આવેદનપત્ર આપ્યું હતું.
કલેકટર મિટિંગમાં હોય ડેપ્યુટી કલેક્ટર પટેલને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. તેમણે ખાતરી આપી કે તમારી માંગ મુખ્યમંત્રી સુધી પહોંચાડીશું અને યોગ્ય ઉકેલ લાવીશું.
સરકાર દ્વારા આપવામાં આવે તો મધ્યમવર્ગ આ પરિસ્થિતિમાં ટકી શકશે. લોકડાઉન ખૂલ્યા પછી હજુ એક આર્થિક મહામારી આવશે. જેમાં મધ્યમ વર્ગ પણ સંકટ માં આવી જશે અને સમાજમાં ફક્ત ગરીબ અને અમીર બે જ રહેશે. સમાજને ઉભું કરવા માટે મધ્યમવર્ગ કરોડરજ્જુ સમાન છે. તો સર્વમધ્યમવર્ગ માટે કોઈ પેકેજ જાહેર કરવામાં આવે. જો મધ્યમ વર્ગને પેકેજ અપવામાં ન આવે તો મધ્યવર્ગને સાથે રાખી આંદોલન છેડવાની ચીમકી અપાઇ છે.