ફરિયાદ મળતા કોર્પોરેશનની આરોગ્ય શાખાના દરોડા: બગડેલા અને જીવાતવાળા કઠોળ, અનાજ અને મોરૈયા સહિત 290 કિલો અખાદ્ય સામગ્રીનો કરાયો નાશ
દુકાન બંધ કરી દેવાની હોવાના કારણે સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોકમાં આવેલા અન્નપૂર્ણા માર્ટમાં એમઆરપી કરતા 50 ટકાના ભાવે વાસી અને અખાદ્ય માલનું વેંચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠતા કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અન્નપૂર્ણા માર્ટમાંથી બગડેલા, સડેલા, ધનેડા સહિતની જીવાતવાળું અનાજ, કઠોળ, મગ, અડદ અને મોરૈયા સહિતની 290 કિલો અખાદ્ય સામગ્રી મળી આવી હતી. જેનો ટીપરવાન મારફત ગાર્બેજ ટ્રાન્સપોર્ટ સ્ટેશન ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે શહેરના સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોકમાં રોઝરી સ્કૂલ સામે શિવાલીક-8માં આવેલા વિવેકભાઇ શ્રીચંદભાઇ બાલચંદાણીના અન્નપૂર્ણા માર્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 50 ટકા ભાવે આપવાના સ્ટીકર અલગ-અલગ પેકેટ પર લગાવવામાં આવ્યા હતા. જેમાં અનેક ખાદ્ય ચીજની એક્સપાયરી ડેઇટ બે માસથી લઇ દોઢ વર્ષ પહેલા વિતી ગઇ હોવા છતાં તેનું વેંચાણ કરવામાં આવતું હતું.
આ ઉપરાંત દુકાનમાં સંગ્રહ કરાયેલા અનાજ, કઠોળ, મોરૈયા સહિતની સામગ્રી સડેલી અને બગડેલી હતી. સાથોસાથ તેમાં જીવાત પણ પડી ગઇ હતી. ચેકીંગ દરમિયાન 290 કિલો અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો. જે ફરીથી વેંચાણ ન થાય તે માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીપરવાન દ્વારા ગાર્બેજ સ્ટેશન ખાતે નાશ કરી દેવામાં આવ્યો છે. પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા હાઇજેનીંક ક્ધડીશન જાળવી રાખવા માટે નોટિસ પણ આપવામાં આવી છે. વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ કોઇપણ હદ સુધી જઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક્સપાયરી વિતી ગયા બાદ ખાદ્ય સામગ્રીનો નાશ કરી દેવાના બદલે વેપારીઓ આવો માલ અડધી કિંમતે વેંચી મારતા હોય છે. ઓછી કિંમતની લાલચમાં માલ ખરીદવાને બદલે ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી છે.