અન્નકુટની પ્રથમ આરતીનો લાભ લેતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ, સાંસદ, મંત્રી, ધારાસભ્ય, રાજકોટ કલેકટર-કમિશનર, રાજકોટ નરેશ સહિત અન્ય મહાનુભાવો
વિક્રમ સંવત 2079, નૂતન વર્ષે બી.એ.પી.એસ. સ્વામિન ારાયણ મંદિરે ભગવાનના અન્નકૂટ ઉત્સવના દર્શનનો 20,000થી અધિક શહેરીજનોએ લાભ પ્રાપ્ત કરી જીવનમાં ધન્યતા અનુભવી હતી. નવી ઋતુમાં તૈયાર થયેલું અન્ન ભગવાનને અર્પણ થાય ત્યાર પછી જ તેનો સ્વીકાર થાય એ આપણી હિન્દુ સંસ્કૃતિની પવિત્ર પરંપરા રહી છે. એ પરંપરા અંતર્ગત પરમ પૂજય મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી વિશ્વના 55 દેશોનાં 1300 મંદિરોમાં નૂતન વર્ષે ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓના અન્નકૂટ રચવામાં આવે છે.રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે આ વર્ષે 110 જાતના વિવિધ મિષ્ટાન, 230 જાતનાં વિવિધ ફરસાણ, 20 જાતના લાડું, 35 જેટલી સુકામેવાની વિવિધ વાનગીઓ, 70 જેટલી માવાની અને બંગાળી મીઠાઈઓ,55 જેટલી દૂધની વિવિધ વાનગીઓ, 50 જાતનાં આઈસક્રીમ અને કેન્ડી, 60 જેટલા જ્યુસ અને શરબત, 175 જાતનાં વિવિધ શાક અને કઠોળ, 32 જાતનાં વિવિધ પુલાવ, ભાત, ખીચડી, દાળ અને કઢી, 51 જાતનાં ફાસ્ટફૂડ, 82 જેટલાં અથાણાં, ચટણી અને મુખવાસ સહિત કુલ 1100થી અધિક વિવિધ વાનગીઓનો અન્નકૂટ નીલકંઠવર્ણી મહારાજ સમક્ષ અને મંદિર પર ઠાકોરજી સમક્ષ રચવામાં આવ્યો હતો.
આ અન્નકૂટ ઉત્સવની પ્રથમ આરતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી,રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા,રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,રાજકોટ કલેકટર , કમિશ્નર , રાજકોટ નરેશ માંધાતાસિંહજી, તથા રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, શાળા સંચાલકોઅને મહાનુભાવોની હાજરીમાં 11:30 વાગ્યે સંપન્ન થયેલી અને ત્યારબાદ દર કલાકે સાંજે 7:00 વાગ્યા સુધી આરતીનો લાભ પ્રાપ્ત થયો હતો.
રાજકોટમાં આવેલ સાતેય સંસ્કારધામમાં પણ નુતનવર્ષે અન્નકૂટ દર્શનનો ભક્તો-ભાવિકોએ લાભ પ્રાપ્ત કર્યો હતો.આ અન્નકૂટમાં બનેલી વાનગીઓ રાજકોટ શહેર અને આસપાસના ગામડાઓમાં હજારોભક્તો-ભાવિકોના ઘરોમાં પ્રસાદરૂપે પહોચાડવામાં આવશે.
રાજકોટ મંદિર તથા રાજકોટમાં આવેલ સાતેય સંસ્કારધામમાં યોજાયેલ અન્નકૂટ ઉત્સવના આયોજનમાં રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, ભંડારી પૂ.ગુરુચિંતન સ્વામી, 22 સંતો તથા 2000 જેટલા કાર્યકર્તાઓએ છેલ્લા એક મહિનાથી ખૂબ જ જહેમત ઉઠાવી હતી.