અન્નદાન-મહાદાનના સૂત્રને આજે વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી, તેમજ બાન લેબ્સના પ્રણેતા મૌલેશભાઇ ઉકાણી દ્વારા ૧૦૮ કર્મકાંડી ભૂદેવોને અન્નકીટનું વિતરણ કરીને સાર્થક કરવામાં આવ્યું છે. આ કીટમાં ૨૦ થી રપ દિવસ ચાલે તેટલી અન્ન સામગ્રી આપવામાં આવી છે.
પ્રવર્તમાન વૈશ્વિક કોરોના મહામારીને નાથવા ભારત એક જૂટ થઇને જયારે કોરોના સામે બાથ ભીડી રહ્યું છે એવા સમયે કોરોનાને નાથવાના અભિયાનના ભાગરૂપે કાર્યરત લોકડાઉનમાં સામાન્ય જનને રાહત પહોચાડવાના આશય સાથે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વી.વાય.ઓ. નાથધામ હવેલી દ્વારા સેવા સંકલ્પ અભિયાન દેશ-વિદેશમાં ઉત્સાહભેર કાર્યરત બન્યું છે.
આ અભિયાનના ભાગરૂપે આજે શ્રી નાથધામ હવેલી ખાતે આ લોકડાઉનના કારણે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા ૧૦૮ કર્મકાંડી બ્રાહ્મણોને રાહત પ્રદાન કરવાના આશયથી ૧૦૮ અન્નકીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ અન્ન કીટમાં ર૦ થી રપ દિવસ ચાલે તેટલો ઘંઉનો લોટ, તુવેર-દાળ, તેલ, ચોખા, મીઠુ, ગોળ, મરી મસાલા, ખિચડી, ચણા વગેરે કાચી સામગ્રી પૂરી પાડવામાં આવી હતી.