જીઆઇડીસી સામે આવેલ અંકુર અને અરિહંત સોસાયટીમાં રોડ-રસ્તા,લાઈટ બાદ ભૂગર્ભ ગટરની નદી વહેતા મહિલાઓ રણચંડી બની
મોરબીના સનાળા રોડ પર આવેલી અંકુર અને અરિહંત સોસાયટીમાં ભૂગર્ભ ગટરના ગંદાપાણી ફરી વળતા દુર્ગંધથી ત્રાહિમામ પોકારી રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકામાં હંગામો મચાવી ગટરના ગંદાપાણી પાલિકામાં ઢોળ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સનાળારોડ પર જીઆઇડીસી સામેના વિસ્તારમાં આવેલ અરિહંત અને અંકુર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે.
અહીં રોડ રસ્તા એ લાઈટ અને સફાઈની સુવિધા મળતી નથી ત્યારે છેલ્લા દશેક દિવસથી ભૂગર્ભ ગટરના પાણી સોસાયટીમાં ફરી વળતા લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
દરમિયાન ગઈકાલે અંકુર અને અરિહંત સોસાયટીની ૫૦ થઈ વધુ બહેનો રોષે ભરાઈ રણચંડીના રૂપમાં આવી જી મોરચો લઈ પાલિકા કચેરીએ દોડી ગઈ હતી અને રીતસર હંગામો મચાવ્યો હતો.તેમાં પણ મહિલાઓની રજુઆત સાંભળવા માટે પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોય મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને હાથ આવ્યું હથિયાર કરી બારી દરવાજામાં છુટા ચપ્પલના ઘા ઝીકયા હતા.
આ ઉપરાંત રોષે ભરાયેલી મહિલાઓ ગંદાપાણીની દુર્ગંધથી એટલી ત્રસ્ત બની હતી કે ભૂગર્ભના પાણી સાથે લાવી પાલિકાના સતાધીશો ને દુર્ગન્ધથી વાકેફ કરાવવા કચેરીમાં જ પાણી છાટયું હતું.
ઉલ્લેખનીય છે કે મહિલાઓ પાલિકાની તમામ શાખામાં ફરી વળી હતી અને કોઈ સાંભળવા વાળું ન હોય મામલો બીચકે તેમ લાગતા અંતે હેડ ક્લાર્ક દ્વારા મહિલાઓનો ગુસ્સો શાંત પડી બે દિવસમાં પ્રશ્ન ઉકેલની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.