અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજ સગેવગે થતુ હોવાની ઘટના ૩ મહિના પહેલા સામે આવી હતી. ત્યાર અંકલેશ્વરમાં ફરી એક વખત ગઇ કાલે રાત્રે આવી ઘટના બની છે. અંકલેશ્વર જી.આઇ. ડી.સી માંથી સરકારી અનાજના જથ્થો ખાનગી ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. જાગૃત નાગરિકે આ જથ્થો સરકારી ટેમ્પા સાથે ઝડપી પાડતા તંત્ર દોડતું થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૧૨ જુલાઈએ જાગૃત નાગરિક દ્વારા અંકલેશ્વર જી.આઇ.ડી.સી માનવ મંદિર આવેલા મધુવન શોપિંગ સેન્ટરમાં સરકારી બારદાનમાં રખાયેલો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમણે આ અંગે અંકલેશ્વર મામલતદારને ફોન કરીને જણાવતા અંકલેશ્વર મામલતદાર અને પુરવઠા મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, મનોજ માણેકલાલ શાહ ની માલિકીનો ટેમ્પો નંબર જીજે 16 ડબ્લ્યુ 3575 કે જે ડોર સ્ટેપ કોન્ટ્રાક્ટર સત્યેન્દ્રસિંહ રાજપૂતના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહ્યો છે તેમાં આ અનાજનો જથ્થો દઢાલ મોકલવાના બદલે GIDCમાં સંગ્રહ કરાયો હતો.
ટેમ્પોના ડ્રાઇવર અને આ ખાનગી ગોડાઉનની વ્યવસ્થા કરી આપનાર સસ્તા અનાજની દુકાન ના તોલાટે માણેકલાલ શાહના કહેવાથી આ અનાજનો જથ્થો આ ગોડાઉનમાં ખાલી કરાવ્યો હતો. ડ્રાઇવર પાસે ગેટ પાસ માંગતા તેણે દઢાલ ગામનો ગેટ પાસ બતાવ્યો હતો. જેમાં 155 કટ્ટા ચોખા અને 40 કટ્ટા ઘઉંનો ઉલ્લેખ હતો. પરંતુ આ ખાનગી ગોડાઉનમાં ઘઉંના એક પણ કટ્ટા ન હતા માત્ર ચોખાના કટ્ટા હતા. જેની સંખ્યા 432 હતી. જેથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે અહીં સરકારી અનાજના જથ્થો સંગ્રહ કરીને તેને સગ્યા વગર કરવામાં આવતો હતો.
અંકલેશ્વર મામલતદાર દ્વારા આ જથ્થાને સરકારી ગોડાઉનમાં લઈ જઈને સીઝ કરવાના બદલે આ ખાનગી દુકાનમાં જ સીઝ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ગુનામાં જે ટેમ્પાનો ઉપયોગ થયો હતો તેને મુદ્દા માલ તરીકે ન સમાવી અને ટેમ્પાને સિઝ ન કરાયો તે ચોકાવનારી બાબત છે. આ બાજુ દઢાલના વેપારીએ ખુલાસો કર્યો હતો કે મેં ગોડાઉન મેનેજરને પહેલેથી જ કીધું હતું કે હું મુંબઈ જવાનો હોવાથી મારો જથ્થો 15 તારીખ પછી મોકલજો. તેમ છતાં આ કૌભાંડ આચરવામાં મારી દુકાનના ગેટ પાસ નો ખોટી રીતે ઉપયોગ કરાયો છે.
આ અંગે સમગ્ર કૌભાંડ ઉજાગર કરનાર ગૌતમ ડોડીઆ એ, ચોકાવનારા ખુલાસા કરતા જણાવ્યું હતું કે, ગત બીજી માર્ચે તેઓએ અંકલેશ્વર સરકારી ગોડાઉન માંથી નીકળેલો અનાજનો જથ્થો ખાનગી દુકાનમાં સગે વગે થતા ઝડપી પાડ્યો હતો. તેના મજબૂત પુરાવા તત્કાલીન અંકલેશ્વર મામલતદાર હાર્દિક બેલડીયા ને આપ્યા હતા. આ ઉપરાંત એવી નવી જગ્યાનું લિસ્ટ આપ્યું હતું કે જો એ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હોત તો માણેકલાલ શાહ અને સત્યેન્દ્રસિંહ રાજપુતનો ખેલ ઉજાગર થઈ શક્યો હોત. માણેકલાલ તેના પુત્ર મનોજ અને સત્યેન્દ્રસિંહ ને ફરીવાર અનાજ સગે વગે કરવાની હિંમત મળી હતી તેનું આ પરિણામ છે.