નેશનલ હાઇવે-48 પર અંકલેશ્વર નજીક માંડવા ચોકડી પાસે ઉભેલા ટ્રેલરને લક્ઝરી બસે પાછળથી ટક્કર મારતા માતા-પુત્રી સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
લક્ઝરી બસ-ટ્રેલર વચ્ચે અકસ્માત, માતા-પુત્રી સહિત 5નાં મોત
પ્રાપ્ત માહિતી પ્રમાણે નેશનલ હાઇવે નં-48 પર અંકલેશ્વર નજીક માંડવા ચોકડી પાસે ગત મોડી રાત્રે ટ્રેલર હાઇવે પર ઉભુ હતુ. આ સમયે સુરતથી બ્રહ્માણી ટ્રાવેલ્સની બસ(GJ-14-X-5295)ગારીયાધાર જવા પેસેન્જર્સ ભરીને જઇ રહી હતી. પુરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી બસે ટ્રેલરને પાછળથી ટક્કર મારી હતી. જેથી ટેમ્પો રોડ પરથી નીચે પલટી ખાઇ ગયો હતો. અને લક્ઝરી બસનો એક તરફનો ભાગ આખેઆખો ભાગ ચિરાઈ ગયો હતો. લક્ઝરી બસમાં સવાર માતા-પુત્રી સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતા તમામને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.
અચાનક જ સર્જાયેલા અકસ્માતના પગલે મુસાફરોની ચીચીયારીઓથી નેશનલ હાઇવે ગૂંજી ઉઠ્યો હતો અને હાઇવે પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો.