- હનુમાનજી મંદિરોમાં સુંદર કાંડના પાઠ, મહાપૂજા-આરતી, મહાપ્રસાદ તથા અન્નકૂટ દર્શનનો લ્હાવો લેતા ભક્તો
- બાલાજી મંદિરે 51 કુંડી આરતી મહાયજ્ઞનો પ્રારંભ: આજે દાદા રથમાં બેસી નગરચર્યાએ નિકળશે
આજે હનુમાન જયંતિ છે ત્યારે રામ અને હનુમાન ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ઠેર-ઠેર હનુમાન જયંતિની ધામેધૂમે ઉજવણી થઇ રહી છે. કરણસિંહજી બાલાજી મંદિર, ત્રિમૂર્તિ બાલાજી મંદિર, સુર્યમુખી બાલાજી મંદિર, બડા બજરંગ મંદિર સહિતના હનુમાનજી મંદિરોમાં આજે વહેલી સવારથી દાદાના દર્શન માટે લાંબી લાઇનો જોવા મળી હતી તેમજ દિવસભર પ્રસાદી વિતરણ, હનુમાન ચાલીસા, સુંદર કાંડના પાઠ યોજાશે. ઠેર-ઠેર હનુમાન મંદિરમાં બટુક ભોજન ગુંદી-ગાંઠીયા, ચણાનું વિતરણ કરાશે તથા બડા બજરંગ ફાઉન્ડેશન અને શેર વિથ સ્માઇલ અને શ્રી ફાઉન્ડેશન દ્વારા શ્રી કષ્ટભંજન દાદાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
આજે કષ્ટભંજન દાદાના મંદિરો રોશની, લાઇટ, ફૂલોથી શણગારવામાં આવ્યા છે. આજે મહાઆરતી, મારૂતિ યજ્ઞ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. પ્રખ્યાત બાલાજી મંદિરે 51 કુંડી મારૂતિ મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બહોળી સંખ્યામાં ભક્તો દાદાના દર્શનનો લ્હાવો લઇને ધન્યતા અનુભવી રહ્યાં છે. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
સાળંગપુર ધામમાં દાદાને સુવર્ણ વાઘા ધરાવી, 50 કિલો ગુલાબનો શણગાર
મંદિરને હજારીગણ ફૂલોથી સુશોભિત કરાયું
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” મહોત્સવ નિમિતે દાદાને સુવર્ણ વાઘા ધરાવી પર 50 કિલો ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો. સમગ્ર મંદિરને હજારીગલ ફુલો વડે દિવ્ય સુશોભન કરાયું. સવારે 5 કલાકે ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી તથા સવારે 7 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. સુપ્રસિધ્ધ સાળંગપુરધામ ખાતે આજે હનુમાન જયંતિ નિમિતે હજ્જારો ભક્તો દાદાના દર્શનાર્થે આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દિવસ દરમિયાન મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે.