- સરકારી યોજનાનું ફોર્મ ભરી આપવા બદલ બે હજારની લાંચ લેતા દુધઈનો VCE ઝડપાયો
- મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ પીઆઈ ટી.એચ. પટેલે આ સફળ ટ્રેપ ગોઠવી
અંજાર ન્યૂઝ : ભારત સરકારની ખેડૂતોની સહાય માટેની કિસાન સન્માન નિધિ યોજનાનું ફોર્મ ભરી આપવા બદલ બે હજારની લાંચ લેતાં અંજારની દુધઈ ગ્રામ પંચાયતનો વીસીઈ એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયો છે. એસીબીએ જણાવ્યું કે, આરોપી દુધઈ ગ્રામ પંચાયતમાં ઈ ગ્રામ કેન્દ્રમાં વિલેજ કોમ્પ્યુટર એન્ટ્રપ્રિન્યોર તરીકે લોકોને સરકારી યોજનાની સહાય માટે મદદ કરવાનું કામ કરતા હતા.
ફરિયાદી તેઓના માતા-પિતા દ્વારા વારસાઈમાં મળેલી જમીનના ખેડૂત ખાતેદાર હોવાથી ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહાય મેળવવા માટે દૂધઇ ગ્રામ પંચાયતના વીસીઈનું કામ કરતા પૃથ્વીરાજસિંહ હિમંતસિંહ સરવૈયાને ફોર્મ ભરી આપવાનું કહ્યું હતું. પૃથ્વીરાજસિંહ હિમંતસિંહ સરવૈયાએ ફોર્મ ભરી આપવા બે હજાર રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી નાણાં આપવા ઈચ્છતો ના હોઈ તેમણે પૂર્વ કચ્છ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીએ છટકું ગોઠવી આરોપીને લાંચની માંગણી કરી નાણાં સ્વિકારતાં રંગેહાથ ઝડપી પાડ્યો છે. મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ પીઆઈ ટી.એચ. પટેલે આ સફળ ટ્રેપ ગોઠવી હતી.
ભારતી માખીજાણી