- માસ્ટર માઈન્ડ રિયા ગોસ્વામીની ઓફિસમાં સર્ચ
- 30 વાહન, સેંકડો ડાયરી કબજે કરાઈ
Anjar: રાજ્યમાં સૌપ્રથમવાર વ્યાજંકવાદીઓને કડક હાથે ડામી દેવા માટે અંજારના ત્રણ ભાઈ-બહેન સામે પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક તળે કાર્યવાહી હાથ ધરીને ધરપકડ કર્યા બાદ કોર્ટમાંથી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એ દરમિયાન રિયા ગોરવામી, આરતી ગૌસ્વામી તેમજ તેજસ ગોસ્વામીના ત્રાસથી કંટાળેલા વધુ બે લોકોએ ફરિયાદ નોંધાવવા આગળ આવ્યા હતા, જેમાં રાકેશ પ્રજાપતિ તથા વિમળાબેન કે જેમણે ત્રિપુટી સામે વ્યાજખોરી ઉપરાંત ઠગાઇની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. આમ, ગુજસીટોક બાદ ત્રણેય ભાઈ- બહેન સામે વધુ ફરિયાદો નોંધાઇ છે. પોલીસે વ્યાજખોરી ડામવાના દ્રઢ નિર્ધાર સાથે એકતરફ આરોપી રિયા, તેની બહેન આરતી અને ભાઈ તેજસની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે. તો બીજીતરફે, પોલીસે રિયાની ઓફિસનું: સર્ચ હાથ ધર્યું હતું. જેમાં 30 વાહનો તથા વ્યાજખોરીને લગતી અનેક ડાયરીઓ અને દસ્તાવેજો પણ કબજે કરાયા હતા.
આ અંગે પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમારે જણાવ્યું હતું કે, ગુજસીટોકના આરોપીઓના ઓફિસ તેમજ ઘરે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે ડીવાયએસપી મુકેશ ચૌધરીએ સર્ચ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રિયાની ઓફિસ રોયલ માઈક્રો ફાઈનાન્સમાં સર્ચ દરમિયાન ૩૦ જેટલા વાહનો ઉપરાંત કોરા ચેક, વિવિધ પ્રકારના લખાણો, ડાયરી સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા. જોકે, હજુ તપાસ ચાલી રહી છે. જે લોકો ભોગ બન્યા છે તેઓ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવે તેવી અપીલ પણ કરાઈ હતી.
ભારતી માખીજાણી