• ચા-પાણી પીવા ગયેલા મિત્રોએ ચોરને રોકતા ત્રણ શખ્સો ધોકા વડે તૂટી પડ્યા : આરોપી હાથવેંતમાં

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનો પારો ઊંચકાતા જાણે લોકોના મગજનો પારો ગગડયો હોય તેમ અંજારમાં ડબલ મર્ડર અને વાંકાનેર થતા પોરબંદરના કમલાબાગમાં પણ એક – એક હત્યાની ઘટના સામે આવી છે. ગરમીના તપેલા પારામાં માણસો નાની નાની બાબતે મારામારી અને હત્યા સુધી પહોંચી જતા હોય છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ૨૪ કલાકના જ સમયગાળામાં એકસાથે ચાર-ચાર હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે.

જેમાં અંજારમાં સતાપર ફાટક બાજુ ચા – પાણી પીવા ગયેલા બે મિત્રોએ ત્યાં પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરી ચોરતા ત્રણ શખ્સોને ટપારતા બંને મિત્રોના ઢીમ ઢાળી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજારમાં જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા નરશીભાઈ રાણસીભાઈ ઠાકોર (ઉ.વ.૪૫) અને તેના મિત્ર રમેશનાથ શંકરનાથ બાવાજી (ઉ.વ.૪૫) બંને સતાપર ફાટક પાસે આવેલી હોટલ પર ચા પીવા ઊભા હતા. ત્યારે ત્યાં પાર્ક કરેલા ટ્રકમાંથી અલ્ફાઝ દાઉદ માજોઠી, નિખિલ મહેશ્વરી અને વીરજી મહેશ્વરી ત્રણેય બેટરી કાઢતા હતા.

તે દરમિયાન આ બંને મિત્રોએ ત્રણેય શખ્સોને બેટરી ન ચોરવા બાબતે ઠપકો આપતાં માથાકૂટ થઈ હતી અને ત્રણેય શખ્સો લાકડાના ધોકા વડે બંને મિત્રો પર તૂટી પડ્યા હતા. જેના કારણે ગંભીર હાલતમાં ધવાયેલા બંને આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકાગાળામાં જ બંને મિત્રોએ દમ તોડતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. પોલીસે અલ્ફાઝ, નિખિલ અને વીરજી સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે આ ત્રણેય આરોપી પોલીસને હાથવેંતમાં જ હોય તે પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.