પૂર્વ કચ્છના અંજાર નજીક આવેલા દુધઇ ગામે કેમો સ્ટીલ કંપનીમાં લોખંડની ભઠ્ઠી ઉભરાતા સર્જાયેલી દુર્ધટનામાં એક સાથે દસ જેટલા શ્રમજીવી ગંભીર રીતે દાઝતા ચારને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જેમાં એકનું મોત નીપજ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દુધઇ ગામે આવેલી કેમો સ્ટીલ કંપનીમાં લોખંડ ઓગાળવા માટે શરુ કરાયેલી ભઠ્ઠીમાં લોખંડ પિગળીને પ્રવાહી સ્વરુપમાં આવ્યા બાદ ધગધગતું લોખંડ ભઠ્ઠીમાંથી ઉભરાયું હતું.

ધગઘગતું લોખંડ શ્રમજીવીઓ પર પડતા નાસભાગ: ફાયર બિગ્રેડે આગ  બુઝાવી

ભઠ્ઠી પાસે કામ કરતા દસ જેટલા મજુરોના શરીર પર ગરમ અંગારા પડતા શરીરમાં કાણા પડી ગયા હતા.

બચવા માટે શ્રમજીવીઓમાં નાસભાગ મચી ગઇ હતી.એક મજુરે પ્રથમ માળેથી કુદકો મારતા ગંભીર રીતે ઘવાયો હતો.

સળગતી ભઠ્ઠીની આગ બુઝાવવા અંજાર ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી અને દાઝેલા શ્રમજીવીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

જેમાં ચારની હાલત વધુ ગંભીર હોવાથી સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. જેમાં સુરેન્દ્રપાલ દુદારામ લોધ નામના 21 વર્ષના પરપ્રાંતિય યુવાનનું મોત નીપજ્યું છે.

કેમો સ્ટીલ કંપનીમાં લોખંડની ભઠ્ઠી ઉભરાવવાના કારણે સર્જાયેલી દુર્ઘટનાની પોલીસને જાણ થતા અંજાર પોલીસે એફએસએલની મદદ લઇ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.