અંજાર: A.P.M.C. નજીક, વરસામેડી નાકા મધ્યે રેલવે મંત્રાલય તેમજ ફાટક મુક્ત ગુજરાત પ્રોજેકટ હેઠળ રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર L.C. 10 અંડર બ્રિજનું ખાતમુહૂર્ત ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને અંજાર વિભાગના ધારાસભ્ય ત્રિકમ છાંગા અંજાર ચેમ્બર્સ ઓફ કોમર્સના મહામંત્રી ભરત શાહ તેમજ મંત્રી વસંત કોદરાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે અંજારના વરસામેડી ફાટક પાસે દરરોજ 23 હજાર કરતા વધારે વાહનોની અવરજવર ને કારણે ભારે ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જેના કારણે લોકો ને ખૂબ મુશ્કેલી અને હાલાકી ભોગવવી પડતી હતી.
જેથી સમગ્ર બાબતે અંજારની વિવિધ વેપારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ શહેરીજનો દ્વારા અવારનવાર રજૂઆતો મળતી, આ બાબત ની ગંભીરતાપૂર્વક નોધ લઇ તેમની કક્ષા એ રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆતો કરાતા સરકારે આ બ્રિજ ના નિર્માણ માટે રૂ. 10 કરોડની માતબર રકમની ફાળવણી કરતા આગામી 1 વર્ષના સમયગાળામાં આ બ્રિજ નું કામ પૂર્ણ કરવામાં આવશે તેવી અપેક્ષા સાંસદ એ વ્યક્ત કરી હતી, તેમજ તાજેતર માં જ દેશ ની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન “નમો ભારત રેપીડ રેલ” કચ્છ ને ફાળવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પોતાનું કચ્છ પ્રેમ વધુ એક વખત ઉજાગર કરેલ હતું, આગામી સમયમાં કચ્છને વધારાની વિવિધ ટ્રેન ની સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું,
આ પ્રસંગે અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા એ જણાવેલ કે અંજારના વરસામેડી ફાટક સ્થાને અંડર બ્રિજ બને એ અંજારવાસીઓની જૂની માંગણી હતી, વખતો વખત ની રજુઆત અને સાંસદ વિનોદ ચાવડાના સહકાર અને સરકારના હકારાત્મક અભિગમ દ્વારા આજરોજ એ દિશા માં પ્રયાણ કરવામાં આવેલ છે. આ બ્રિજના નિર્માણના કારણે લોકોને ટ્રાફિક થી ખૂબ મોટી રાહત મળી રહેશે, લોકો નું સમય, શક્તિ, અને ઇંધણ ની પણ ખૂબ બચત થશે, તેમજ આગામી ટૂંક સમય માં એલ.સી 4-5ના કામ અંગેની મંજૂરી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે.
આ પ્રસંગે અંજાર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ રશ્મિન પંડ્યા, માનદ મંત્રી વસંતભાઈ કોડરાણી તેમજ ભરતભાઇ શાહે આ બ્રિજ ના નિર્માણ કામ માટે સરકારનો આભાર વ્યકત કર્યો હતો. તેમજ રેલવે વિભાગ ના એ.આર.એમ આશિષ ધાનીયા એ આગામી એક વર્ષ માં કામ પૂર્ણ થઇ જશે તેવી આશા વ્યક્ત કરી હતી.
અંજાર સુધરાઇ ના પ્રમુખે સ્વાગત પ્રવચન માં ઉપસ્થિત સૌ ને શાબ્દિક આવકાર આપતા અંડર બ્રિજ નિર્માણ માટે રેલવે વિભાગ અને સરકાર શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંજાર શહેર ભાજપ ના પ્રમુખ ડેનીભાઇ શાહે તેમજ આભારવિધિ અંજાર રેલવે સલાહકાર સમિતી ના સભ્ય ક્રિપાલસિંહે કરી હતી.
ભારતી માખીજાણી