અંજાર સમાચાર
કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે યોજાયેલી કચ્છ સિંચાઇ વિભાગની ચિંતન શિબિરને અધ્યક્ષસ્થાનેથી ખુલ્લી મુકી હતી. જેમાં અંજાર ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગાએ સૂચનો કર્યા હતા. ચિંતન શિબિરમાં સહભાગી બનતા મંત્રીએ સિંચાઇ વિભાગના કર્મયોગીઓને આવનારા વર્ષોમાં કચ્છને પાણી મુદે આત્મનિર્ભર બનાવવા માટે આજની શિબિરમાં સામુહિક મંથન કરીને એક રોડમેપ બનાવવા આહવાન કર્યું હતું. તેમણે વધુમાં કચ્છમાં જળસંચય, હયાત જળસ્ત્રોતનું સંરક્ષણ તથા ભુગર્ભ જળ વધારવાની દિશામાં કામગીરી કરવા તેમજ કિસાનોને પાણીનું મહત્વ સમજાવી માઇક્રો ઇરીગેશન માટે જાગૃત કરી તે તરફ લઇ જવા સક્રીય રીતે કામગીરી કરવા જણાવ્યું હતું .
આ ચિંતન શિબિરમાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, કચ્છમાં પાણી મુદેની વિકટ સ્થિતિ વચ્ચે ઉપલબ્ધ સગવડો અને ટેકનોલોજીનો સમન્વય કરીને આવનારા વર્ષોમાં કચ્છને માત્ર નર્મદા આધારિત ન રહેવા દેતા આત્મનિર્ભર બનાવવા કામગીરી થાય તે જરૂરી છે. તે માટે હયાત સ્ત્રોતને જાળવી રાખવા, ભુગર્ભજળ વધે તે દિશામાં આયોજન અને કામગીરી કરવી, કચ્છની ભૌગોલિકતાને ધ્યાને લઇને વરસાદી પાણીનો મહત્તમ સંચય થઇ શકે તે દિશામાં નવી યોજના અને ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવા, જે પાણી વપરાય છે તેનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ થઇ શકે તે માટે ખેડૂતોને જાગૃત કરીને માઇક્રો ઇરીગેશન પર ભાર મુકવો વગેરે બાબતોને ઉજાગર કરતા મંત્રીએ કર્મયોગીઓને ફરજ સાથે સેવા અને જવાબદારીનો સમન્વય કરીને કામગીરી કરવા આહવાન કર્યું હતું.
તેમણે વધુમાં કર્મયોગીઓને આજની ચિંતન શિબિરને સાર્થક કરવા સામૂહિક મંથન કરીને આગામી વર્ષોનો રોડમેપ તૈયાર કરી નવા કામો તેમજ રીપેરીંગ હસ્તકના કામો સહિત તમામમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપીને કામગીરી કરવા સૂચન કર્યું હતું. નિષ્ઠા, શિસ્ત તથા અનુશાસન સાથે કરાયેલી કામગીરી દિપી ઉઠે છે તેવું જણાવીને મંત્રીએ ડેમ સેફટી એકટ હેઠળની ગાઇડલાઇનનું પાલન કરવા તથા ખારાપાટ અટકાવવા જરૂરી પગલા ભરવા સાથે કચ્છમાં હયાત વોટરબોડી જેમ કે, ડેમ, તળાવ વગેરેને ભરાયેલા પાણી વચ્ચે ડિસ્ટલીંગ કરવા પ્રાયોગીક ધોરણે ડ્રેઝિંગ પધ્ધતિનો ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. આ માટે ચિંતન શિબિરમાં મંથન કરવા પર ભાર મૂકયો હતો.
આ ચિંતન શિબિરમાં ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ કચ્છમાં ભુગર્ભ જળના સંરક્ષણ પર ભાર મુકીને રીસોર્સનો મહત્તમ ઉપયોગ કરીને સ્ટોરેજ સહિતના ઉપયોગી પગલા લેવા જણાવ્યું હતું. જયારે ધારાસભ્ય કેશુભાઇ પટેલે કર્મયોગીઓને સકારાત્મક અભિગમ સાથે કામ કરીને વધુમાં વધુ કઇ રીતે લોકહિતને ઉપયોગી થઇ શકે તેવો અભિગમ રાખવા જણાવ્યું હતું. સરકાર દ્વારા ખર્ચાતા એક એક પૈસાની કિંમત સમજીને ગુણવત્તામાં બાંધછોડ ન કરીને કામગીરી કરવા સૂચન કર્યું હતું.
ધારાસભ્ય અનિરુધ્ધભાઇ દવેએ આ ટાંકણે કર્મયોગીઓને સંબોધતા, ચિંતન શિબિરમાં કચ્છને કઇ રીતે આત્મનિર્ભર બનાવવા કામગીરી કરી શકાય, વરસાદના પાણીને અટકાવીને સોર્સને સજીવન કરી શકાય, કેનાલ, ડેમ વગેરેનું યોગ્ય મેન્ટેનન્સ, સફાઇ કરી પાણીનો કેમ મહત્તમ ઉપયોગ કરી શકાય તથા નવા ડેમ બનાવવા યોગ્ય સ્થળની શોધ સહિતના મુદે ચિંતન કરીને પરીણામલક્ષી ફળશ્રુતિ કાઢવા સૂચન કર્યું હતું. તેમણે પાણીના સ્ત્રોતનું ડિસ્ટલીંગ કરવા નાની કેપેસેટીમાં નવી કટર સેકશન ડ્રેઝિંગ પધ્ધતિનો અજમાયેશી ધોરણે કચ્છમાં પ્રયોગ કરીને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જળસંપત્તિ વિભાગના ખાસ સચિવ કે.બી.રાબડીયાએ કચ્છ સિંચાઇ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને કચ્છને માઇક્રોઇરીગેશન ક્ષેત્રે આખા રાજયમાં રોલ મોડલ બને તે કક્ષાની કામગીરી કરવા આહવાન કરતા આગામી ૫ વર્ષનો રોડમેપ બનાવવા જણાવ્યું હતું. હાથ ધરાયેલા પ્રોજકેટનું ઝડપથી અમલીકરણ કરવા તેમજ પાણીની નવી યોજનાઓ સ્થાનિકેથી સુચવાય તે કક્ષાની કામગીરી તથા મનોમંથન કરવા અનુરોધ કર્યો હતો.
આજની ચિંતન શિબિરમાં ચેકડેમ અને તેના આલેખન પરિબળો, ડ્રોન અને જીઓઇન્ફોર્મેટીકસનો ઉપયોગ, બંધોનું નિરીક્ષણ, જીઓમેમ્બ્રેન એપ્લીકેશન, કામોમાં ગુણવત્તા નિયમન, સૂક્ષ્મ સિંચાઇ અને પ્રેસરાઇઝડ સિંચાઇ નેટવર્કની શકયતાઓ, ભૂગર્ભજળની સ્થિતિ અને અટલ ભૂજલ યોજના હેઠળન સુધારાત્મક પગલા સહિતના મુદે ચિંતન કરવામાં આવ્યું હતું.
આ ચિંતન શિબિરમાં મુખ્ય ઇજનેર જે.કે. ત્રિવેદી(પંચાયત) , GWRDCના એમ.ડીશ્રી આર.પટેલ, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરો, નાયબ ઇજનેરો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.