અંજાર સમાચાર
અંજારમાં ગૌ આધારિત સજીવ ખેતીના ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કેન્દ્રનું શુભારંભ કરાયું હતું . અંજાર વિસ્તારમાં આવેલ તોરલ સરોવર મધ્યે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતાં ગાય આધારિત સજીવ ખેતપેદાશના સાપ્તાહિક વેચાણ કેન્દ્રનો ગ્રાહકોની માંગ અનુસાર સપ્તાહમાં બે વાર એટલે કે દર ગુરુ અને રવિવારે વિસ્તરણ સાથે શુભારંભ કરાયો.
આર.એસ.એસ. પ્રેરિત સેવા સાધના- કચ્છ સંચાલિત આ કેન્દ્રનો મંચસ્થ સંતો, રાજકીય, સેવાકીય અને સામાજિક તથા કિસાન અગ્રણીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં ખેડુતો અને ગોપ્રેમી ગ્રાહકોની ઉપસ્થિતિમાં દિપ પ્રાકટય સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.તપોવન ગુરુકુળ રામપરના સંચાલક શાસ્ત્રી દેવચરણ સ્વામી અને કથાકાર પંડિત ધનેશ્વરભાઈ જોષીએ ઉપસ્થિત ખેડુતો અને ગ્રાહકોને આવકાર સાથે સેવા સાધના સંસ્થાની આ અતિ સાત્વિક અને સમયની માંગ અનુસારની પહેલને હ્રદયથી ધન્યવાદ પાઠવતાં પ્રમાણિકતાથી શુધ્ધ અનાજ પકવતા ખેડુતોને ઋષીની ઉપમા આપીને ગ્રાહકોને એમનું ઉત્પાદન ખરીદીને એમની સાધનાને સફળ કરવાના ભાગરુપે ખુબ કમાઇને ઝેરી અનાજ ખાઇને બીમાર થયા પછી એ કમાણીને હોસ્પિટલમાં વેડફવા સાથે અનેક શારીરિક તકલીફો વેઠવા કરતાં ગાય આધારિત ખેતીનાં શુધ્ધ અનાજ, ફળ અને શાકભાજીને બે પૈસા વધુ ચુકવીને પણ ખરીદીને ખાવાનો અનુરોધ કર્યો હતો.
આર.એસ.એસના પ્રાંતકાર્યવાહ મહેશભાઇ ઓઝાએ પ્રકૃતિ સાથેની છેડછાડના વિપરીત પરિણામના દાખલા આપીને ખેડુતોને વેળાસર ઝેર મુક્ત ખેતી અપનાવવા જણાવ્યું હતું. ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ સરકાર પણ આ દિશામાં તમામ પ્રયત્નો કરતી હોવાની માહિતી સાથે પોતાના વિસ્તારમાં આવું સુંદર વેચાણ કેન્દ્ર ચાલતું હોવાને અતિ ગૌરવની વાત અને જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદે આ કાર્યને ઉત્તમ રાષ્ટ્ર કાર્ય ગણાવ્યું હતુ.
એપીએમસી અંજારના પ્રમુખ વેલાભાઈ ઝરુએ આ કેન્દ્રને જરૂરી દરેક સહયોગ આપવાની ખાત્રી આપી હતી. સેવા સાધના પ્રમુખ માવજીભાઈ સોરઠીયા, અંજાર નગર સંઘચાલક ડો.અમિતભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી પણ મંચસ્થ રહ્યા હતા. સ્ટોલમાં રાખેલ દરેક ખેતપેદાશનું યોગ્ય ભાવ સાથે તરત જ વેચાણ થઈ જતું હોવાથી ઉત્પાદન કરતા ખેડુતો પણ વધુ વાવેતર કરવા ઉત્સાહી જણાયા હતા. સમગ્ર વ્યવસ્થા મેઘજીભાઈ હીરાણી અને વાલજીભાઈ આહિર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કામધેનુ ગૌશાળાના દિપકભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.