- લીલાશાહ મહારાજની 51મી પુણ્યતિથિએ સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો
- ત્રિદિવસીય મહોત્સવની ઉજવણીનું કરાયું હતું આયોજન
- સમૂહલગ્નમાં 23 દંપતીએ પ્રભુતામાં ભર્યા પગલાં
Anjar News : અંજારમાં સ્વામી લીલાશાહ કુટિયા ખાતે સંત શિરોમણિ લીલાશાહ મહારાજની 51મી પુણ્યતિથિ નિમિતે ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે સ્વામી લીલાશાહ આશ્રમથી શોભાયાત્રા તો બીજા દિવસે સમૂહ જનોઈ અને ત્રીજા દિવસે સમૂહલગ્નમાં 23 દંપતિઓ જોડાયા હતા.
સ્વામી લીલાશાહ કુટિયા ખાતે સંત શિરોમણિ લીલાશાહ મહારાજની 51મી પુણ્યતિથિ નિમિત્તે 10, 11, 12મી તારીખે ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે આદિપુર સ્વામી લીલાશાહ આશ્રમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેની આદિપુર – ગાંધીધામમાં પરિક્રમા કરવામાં આવી હતી. બીજા દિવસે સમૂહ જનોઈમાં 125થી વધુ બટુકોને જનોઈ આપવામાં આવી હતી. ત્રીજા દિવસે સમૂહલગ્નમાં 23દંપતિઓ જોડાયા હતા. લગ્નના દિવસે સિંધી લાડા ક્વીન વિશ્ની ઈસરાનીએ સિંધી લાડા ગાઇને સૌને મોજ મણાવી હતી. અન્નદાન, વિદ્યાદાન અને કન્યાદાનના સંકલ્પ સાથે જીવનારા સ્વામીજીના સંકલ્પોને સાકાર કરવાનું કાર્ય આજે પણ તેમના અનુયાયીઓ કરી રહ્યા છે.
જય રામજી કીના મૂળ મંત્ર સાથે સમગ્ર જીવનકાળમાં ભોજનની ચિંતા રામપર મૂકી લોક કલ્યાણના કાર્ય કરનારા સ્વામીજી 93વર્ષની ઉંમરે પણ યોગનું શિક્ષણ આપતાં અને પોતાના અનુયાયીઓને બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રેરણા આપતા હતા. અંજારના મેઘપર બોરીચી ખાતે આ સમારોહમાં દેશ – વિદેશથી સ્વામી લીલાશાહના ભક્તો બહોળી સંખ્યામાં આવે છે અને સ્વામીજીની હાજરીનો અનુભવ કરે છે. કરિયાવરમાં દાગીના સહિતની ચીજવસ્તુ અપાઈ હતી. સ્વામી લીલાશાહ ટ્રસ્ટમાં યોજાયેલ સમૂહલગ્નમાં દીકરીઓને કરિયાવરમાં સોનાની વીંટી, સોનાની બુટીઓ, ચાંદીની પાયલ, ગાય, તુલસી, ટી.વી., વોશિંગ મશીન, ઓવન, ઈલેક્ટ્રિક ગેસ, બેડશીટ, હોમ મેકર સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી.
અહેવાલ : ભારતી માખીજાણી