- નિદ્રાધીન પરિવારને જીવતા સળગાવી હત્યાની કોશિશ કર્યાનો નોંધાતો ગુનો
- યુવકે 10 મહિના પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હોવાથી યુવતીના પરિવારજનોએ આગ લગાડી હોવાનો ફરિયાદીનો આક્ષેપ
અંજાર તાલુકાના ખોખરા ગામે મધરાત્રે ઘરમાં સુતેલા માતા અને બે યુવાન પુત્રો સહિત પરિવારને જીવતા સળગાવી નાખવાના ભાગ રૂપે રૂમમાં આગ ચાંપી દેવાઇ હતી. પરંતુ સદભાગ્યે ઘરના વડીલ અન્ય રૂમમાં હોવાથી ત્રણેયને સળગતા ઘરથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.અને તેઓ ગંભીર રીતે દાઝી જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,જેમાં પરિવારના એક પુત્રએ 10 મહીના પૂર્વે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેના પરિજનોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની શંકા પોલીસમાં વ્યક્ત કરી છે.
વિગતો મુજબ ખોખરાના પ્રેમજીભાઈ શામજીભાઈ ખોખરએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે તેમની પત્ની લખીબેન, પુત્રો 27 વર્ષનો વિનોદ અને 22 વર્ષીય દિનેશ રસોડાની બાજુના રૂમમાં સૂતા હતા અને પિતા પ્રેમજીભાઇ અલગ રૂમમાં નિંદ્રાધીન હતા. તે દરમ્યાન રાત્રે 2 વાગ્યે પુત્ર દિનેશ ગંભીર રીતે દાઝેલી અવસ્થામાં રાડારાડી કરતો પિતા પાસે આવ્યો હતો અને ઘરમાં આગ લાગી હોવાનું કહેતા ફરિયાદીએ તાત્કાલિક આગ લાગેલા રૂમમાં જઈ પત્ની અને પુત્ર વિનોદને બહાર કાઢ્યા હતા.બૂમાબૂમથી આસપાસના લોકો પણ એકત્રિત થઇ ગયા હતા અને દાઝેલા ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો
જ્યાં પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે પરિવારના મોટા પુત્ર વિનોદે ગામમાં જ રહેતા નારણ વેલા ખોખરની પુત્રી સાથે તેના મા-બાપની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. જેથી નારણ વેલા તથા તેના પુત્ર કિશને ઘરમાં આગ ચાંપી દીધી હોવાની શંકા ફરિયાદી પ્રેમજીભાઇએ વ્યક્ત કરી હતી. પુત્રએ પ્રેમ લગ્ન કર્યા બાદ યુવતી સાથે છૂટું પણ કરી નાખ્યું છે. તેમ છતાં યુવતીના પરિજનોએ જ આ આગ ચાપી હોવાની તેમણે શંકા વ્યક્ત કરી હતી.આગ લાગેલા ઘરમાંથી પોતાના પરિજનોને બહાર કાઢ્યા બાદ ફરિયાદીએ જાતે જ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ઘરના પાણીના ટાંકા માંથી પાણી ભરી પાણીનો મારો ચલાવતા રૂમ અને રસોડાના દરવાજા પર લાગેલી આગ બુઝાવવામાં સફળતા મળતા ઘરમાં વધુ આગ પ્રસરતા રોકી લીધી હતી.