પાટડી, સાળંગપુર, રાજકોટ, ભુરખીયા, ભામાસર સહિત ગામે ગામ હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
જૂનાગઢમાં હનુમાનજીને 21 હજાર લાડુનો ભોગ ધરાવાશે
ચૈત્ર સુદ-15 અર્થાત આવતીકાલે ગુરૂવારે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં અંજનીનાજાયા, રામભકત હનુમાનજીના જન્મોત્સવના વધામણા કરવામાં આવશે. ગામે ગામ વિવિધ હનુમાન મંદિરે સવારથી લઈ મોડી રાત્રી સુધી ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે પાટડી ઉદાસી આશ્રમ ખાતે હનુમંત યજ્ઞ, રાત્રે સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિ પૂર્વ આજે સાળંગપુરમાં 54 ફૂટની હનુમાનજીની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
પ્રખર રામભકત, બાલ બ્રહ્મચારી હનુમાનજીના મંદિરો ગામે ગામ આવેલા છે.દર શનિવારના દિવસે હનુમાન ભકતોની લાઈનો લાગતી હોય છે. ચૈત્ર સુદ પુનમના દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે.આવતીકાલે હનુમાન જયંતિની ભકિતભાવ સાથે ઉજવણી કરવા માટે ભાવિકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાળંગપુર, રાજકોટ,ભુરખીયા,ભામાસર સહિતના ગામોમાં હનુમાન જયંતિની પાવન પર્વને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કેક કટીંગ, અન્નકુટ દર્શન, બટુક ભોજન મહાઆરતી, હનુમાન ચાલીસાના પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જૂનાગઢમાં લંબે હનુમાન મંદિર ખાતે હનુમાનજીને 21 હજાર લાડુનો ભોગ ધરાશે. આ સાથે ચોલા દર્શન, આભૂષણ, શૃંગાર, અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે.
લંબે હનુમાન મંદિરના મહંત અર્જુનદાસ ખાખી ગુરુ રામ દુલારે ખાખી એ જણાવ્યું છે. લંબે હનુમાનના મહંતના જણાવ્યા મુજબ, આ માટે હાલ મંદિર ખાતે છેલ્લા પાંચ દિવસથી 15 જેટલા ભાવિકો દ્વારા લાડુ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તથા હનુમાન જયંતીના દિવસે ભગવાનના ચોલા દર્શન નું ખાસ મહત્વ રહેલું છે, ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે સવારે 8:30 કલાકે ચોલા દર્શનનું આયોજન પણ હાથ ધરાયું છે. વહેલી સવારના 6:30 કલાકે પંડિતોના મંત્રોચ્ચાર સાથે ગંગાજળ, મધ, દૂધ, પંચામૃત અને સિંદૂર સાથે હનુમાનજીનો અભિષેક કરવામાં આવશે. 9:30 કલાકે આભૂષણનો શૃંગારના દર્શન અને 10 કલાકે પંચ મેવા એવા 21 હજાર લાડુના ભોગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
દામનગર શ્રી ભુરખિયા હનાનજી મંદિર પ્રશાશન તરફ થી શ્રી હનુમાન જ્યંતી ને લઈ અદભુત વ્યવસ્થા બે લાખ થી વધુ ભાવિકો શ્રધ્ધાભાવ થી દાદા ના દર્શન કરશે એક લાખ ભાવિકો એક પંગત માં ભોજન પ્રસાદ મેળવશે
રોશની ના ઝળહળાટ અને ભવ્ય સુશોભમ થી મંદિર પરિસર ને શણગાર મંદિર પ્રશાશન ટ્રસ્ટ સમસ્ત ભુરખિયા ગામ સેવા ટીમ પૂજારી પરિવાર કર્મચારી સ્ટાફ સહિત સ્વંયમ સેવકો ની ટીમ સતત ખડેપગે સેવારત શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ એવમ શ્રી ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના દુષયનભાઈ પારેખ હરજીભાઈ નારોલા જ્યેન્દ્રભાઈ પારેખ સુધીરભાઈ પારેખ કૌશિકભાઈ પારેખ હિમતભાઈ કટારીયા અમરશીભાઈ પરમાર વજુભાઇ સિદ્ધપૂરા મનીષબાપુ નિમાવત જીતુબાપુ નિમાવત સહિત અસંખ્ય ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવકો ની સતત હાજરી શ્રધ્ધાળુ ભાવિકો માટે ઉતમોતમ વ્યવસ્થા સાથે ઉજવાશે શ્રી હનુમાન જ્યંતી ઉત્સવ લાખો ભાવિકો માણશે મેળા ની મોજ દર્શન પૂજન અર્ચન ભોજન પ્રસાદ ઉતારા પાર્કિગ મેળા માં ઉમટશે દામનગરમાં ખોડિયાર ચોક પાસે બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિર પરિસર ખાતે ગુરુવારે મહાયજ્ઞ સાથે ઉજવાશે શ્રી હનુમાન જ્યંતી દાદા ના દર્શન પૂજન અર્ચન બાદ જ વેપાર ધંધા રોજગાર ની શરૂઆત કરતા વેપારી ના ચહિતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર સેવક સમુદાય રોકડીયા પરિવાર દ્વારા હનુમાન જન્મ જ્યંતી એ મંદિર પરિસર માં મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું રોકડીયા પરિવાર દ્વારા ઉત્સાહ ભેર આયોજન કરાયું છે.
ગોંડલના ગુલમહોર રોડ ઉપર આવેલા શ્રી બાલાહનુમાનજી મંદિર ખાતે 42 વર્ષથી પ્રલય નિવારણ, સત્યયુગ સંસ્થાપન, ગૌમાતાની હત્યા અટકે તેવા ઉમદા હેતુઓથી બ્રહ્મમંત્ર ‘ૐ ર્હ્રી રામ જય રામ જયજય રામની અખંડ ધૂન ચાલે છે, તે સાનિધ્યમાં હનુમાન જન્મોત્સવ ઉજવણી અન્વયે સવારે 5 વાગે પ્રભાત ફેરી, સવારે 8 વાગ્યાથી સુંદરકાંડ વિશેષ અખંડ ધૂન, 11.30 વાગ્યે પ્રાસંગીક, બપોરે 12 વાગ્યે ભોગ આરતી બાદ મહાપ્રસાદનું આયોજન થયું છે. જસદણના ખારચીયા હનુમાન ગામે શ્રી ખારચીયા હનુમાનજી મંદિર સાનિધ્યમાં હનુમાન જયંતિ પર્વની ધામધૂમથી ઉજવણી થનાર છે. બપોરે 11 વાગ્યે મહાપ્રસાદનું આયોજન થયું છે.