પત્રવિચારધારાને સમર્પિત મોદીજી અને રાહુલજીના નૈતૃત્વમાં યોજાતી ચૂંટણીઓમાં સમર્થકો મેદાનેજીતાડવા જંગ

વિર બજરંગબલીની જેમ (કદાચ) આજીવન બ્રહ્મચારી બની સેવા હી પરમો ધર્મમાં જીવન સમર્પિત કરનાર વિર નરેન્દ્રવિર રાહુલની વિચારધારામાં દેશ ગળાડૂબ: ઉમેદવારના બદલે નૈતૃત્વને જોઇ મતદાન: પોતાના મનની સાંભળી મતદાન કરવું સમયની માંગ

કેસરી નંદન – રામ ભકત વિર બજરંગ બલી – હનુમાનજીના જન્મોત્સવને પુરા ભાવભકિતથી ઉજવવા આજે ભાવિકોમાં ભારે થનગનાટ જોવાં મળી રહ્યો છે. રામ ભકતને રિઝવવા શ્રઘ્ધાળુઓ ભકિતમાં લીન બન્યાં છે. ત્યારે આગામી ચૂંટણી જંગ જીતવા મેદાને પડેલા મહારથીઓ યાદ આવી જાય છે.

કિસ્કાંધા રાજમાં વાલી-સુગ્રીવ ભલે રાજકારભાર સંભાળતાં હોય પરંતુ પવનપુત્ર વિર હનુમાનજીના નેતૃત્વને જ નિખાર મળ્યો છે તેમ ભારત વર્ષમાં હાલ બે વિચારધારા પક્ષ મુખ્ય પક્ષો તરીકે ઉભરી રહ્યો છે અને તેનું નૈતૃત્વ કરનાર વિર મહારથીઓના જીવન કવનમાં ડોકીયું કરીએ તો હનુમાનજીના જીવન જેવું જીવનની ઝાંખી થાય છે.આ જીવન બ્રહ્મચારી રહીને દાસ બની જીવન જીવતા હનુમાનજીના જીવનમાંથી કદાચ પ્રેરણા લઇ પોતાના પક્ષ વિચારધારાનું સુકાન સંભાળતાં મોદીજી અને રાહુલજીને કદાચ એટલે જ પ્રજાએ સ્વીકાર્યા છે.

દેશમાં બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ખુબ જ સારી રીતે ઉભરી આવ્યાં છે. ખુબીની વાત તો એ છે કે આ બન્ને પક્ષ વિચારધારાને સમર્પિત બન્ને પક્ષોના મુખ્ય આગેવાન નેતા વિર હનુમાનજીની જેમ (કદાચ) બ્રહ્મચારી છે. જીવન ઝંઝાળથી વિમુકત હોવાના કારણે કદાચ તેઓ પોતાના પક્ષનું સારૂ સુકાન સંભાળી રહ્યાં છે. અને આ બન્ને મહારથીઓએ પોતાના પક્ષના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વિવિધ રાજયોના મતદારો પણ સ્થાનીક ઉમેદવારને નહીં પણ જે તે પક્ષનું સુકાન નૈતૃત્વ કરનાર મહારથીને જોઇને જ હવે મતદાન કરતાં થયાં છે. આ વખતની ચુંટણીમાં પણ મુખ્ય નેતાને અનુલક્ષીને મતદાન કરે તેવી શકયતાઓ છે.

સ્થાનીક બેઠક ઉપર ચુંટણી જંગમાં ઝંપલાવનાર કાં તો સત્તા-સંપતિ અને કાંતો મામકાવાદના જોરે જંગમાં હોવાનો અહેસાસ પ્રજા કરી રહી છે. ચુંટણીમાં ઉભેલા ઉમેદવારોમાંથી કોણ ઓછું ખરાબ તે સાબિત કરવું મતદારો માટે મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે મતદાર સ્થાનિક ઉમેદવારને બાજુએ મુકી દેશ લેવલે વિચારતો થયો છે.કયો પક્ષ, કંઇ વિચારધારા અને કયો મુખ્ય નેતા સાંપ્રત સમયે સાનુકુળ છે તે મતદાર વિચારે છે અને પોતાને ગમની વિચારાધારા પક્ષ અને તેનું નૈતૃત્વ લેનાર દેશ લેવલે સફળતા મેળવી સત્તાનું સુકાન સંભાળે તેવું ઇચ્છી રહ્યો છે.

એટલે સ્થાનીક ઉભેલ ઉમેદવાર કોણ છે તે જાણવાની પણ ફુરસદ કર્યા વગર તે કયાં પક્ષમાં ઉભો છે તેટલું જ જાણી મતદાન કરવા પ્રેરાય છે. ખરેખર આ વિચારધારા સાંપ્રત સમયે યોગ્ય નથી.  મતદારો પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉમેદવારી કરનારાના વ્યકિતન્વને ચકાસવું જોઇએ.

એના કાર્યો અને ભવિષ્યમાં કરી શકે તેવાં કામો વિચારવા જોઇએ. સ્થાનીક પ્રશ્નોનું પણ મંથન કરવું જોઇએ. અને આ પ્રશ્નોમાં કયો ઉમેદવાર સક્રિય ભૂમિકા ભજવી પ્રશ્નો ઉકેલવામાં પાર ઉતરશે તે જાણવું જોઇઅ. બધા ઉમેલા ઉમેદવાર ગેરલાયક લાગતાં હોય તો ઓછામાં ઓછો ખરાબ કર્યો ઉમેદવાર છે તે ચકાસી તેના ઉ૫ર મતદાનની મહોર મારવી જોઇએ.

પ્રચાર-પ્રસાર કે લોભાવનારી વાતોમાં આવ્યાં વગર મતદારે પોતાનું મન કરે તેવાં ઉમેદવારને પોતાનો મત આપવોએ સમયની માંગ છે. પક્ષ-વિચારધારાનું રાષ્ટ્રીય લેવલે નૈતૃત્વ કરનારને જ ફકત નહી જોતા સ્થાનીક ઉમેદવારના કાર્યો જીવનને પણ ચકાસવું જરુરી છે. વિર હનુમાનજીની જેમ ભકિત કરવી જરુરી છે. પણ આંધળી ભકિત ગંભીર પરિણામો નોતરે છે. મતદાર કોઇ પક્ષ્ર વિચાર ધારા કે નૈતૃત્વમાં મોહીત થયાં વગર મનની સાંભળી ને પોતાના ઉમેદવારની પસંદગી કરવા પોતાની સુઝ બુઝ તાર્કિક શકિતનો ઉપયોગ કરી મતદાન કરે તે સમયની માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.