- સફાઈ કર્મચારીઓનાં રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે સિવિલ પરીસર, ઈમરજન્સી વિભાગની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો
ભારત સરકારના સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવારે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ, એજન્સી સાથે બેઠક યોજી હતી. બાદમાં તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલ પરિસર તેમજ ઈમરજન્સી વિભાગની મુલાકાત લીધી હતી. આ સાથે સ્થળ પરના સફાઈ કર્મચારીઓ સાથે વાત કરીને તેમને અપાતી સુવિધાઓ તથા સ્થિતિની સમીક્ષા કરી હતી.
સિવિલ હોસ્પિટલ ખાતેની બેઠકમાં અંજના પંવારે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓનું રાષ્ટ્રીય આયોગ તમામ રાજ્યોમાં જઈને મેન્યુઅલ સ્ક્વેન્જર્સ, સફાઈ કર્મચારીઓ અને તેમના આશ્રિતોના આર્થિક, સામાજિક, શૈક્ષણિક પુન:વસન તેમજ કલ્યાણની સ્થિતિની સમીક્ષા કરે છે. સમાજના છેવાડાના ગણાતા લોકોને મુખ્ય ધારામાં જોડવાના હેતુથી અધ્યયન કરીને સરકારી તંત્રને પગલાં લેવા નિર્દેશ કરે છે. આ સંદર્ભે આ બેઠક યોજવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા સૈનિકોને સન્માન આપવું એ આપણી સૌની નૈતિક ફરજ છે.
અંજના પંવારે હોસ્પિટલના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો, તેમને અપાતી સુવિધાની સ્થિતિ જાણી હતી. તેમણે સફાઈ કર્મચારીઓની ભરતી, હેલ્થ ચેકઅપ, ઓળખપત્ર, યુનિફોર્મ, સેલેરી, મેડિકલ સુવિધા, ઈન્સ્યોરન્સ સહિતના પ્રશ્નોની મુદ્દાસર ચર્ચા કરી માહિતી મેળવી હતી.
આ તકે તેમણે દરેક સફાઈ કર્મચારીઓનું વર્ષમાં બે વાર આખા શરીરનું મેડિકલ ચેક અપ કરવા, ઓળખપત્રમાં બ્લડ ગૃપ, પી.એફ., ઈ.એસ.આઈ.સી. નંબર લખવા, યુનિફોર્મ – રેઇન કોટ – સ્વેટર – શૂઝ નિયમિત આપવા વગેરે અંગે નિર્દેશ આપ્યા હતા.
તેમણે અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને સફાઈ કામદારોને લગતા પ્રશ્નો અને વર્તમાન સ્થિતિની વિગતો જાણી હતી.
આ બેઠકમાં રાજકોટના નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી, સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. હેતલ ક્યાડા, અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક આનંદબા ખાચર, રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. દૂસારા, લેબર ઓફિસર અંકિત ચંદારાણા, સફાઈ કર્મચારીઓના વિવિધ યુનિયનના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.