રાજકીય ક્ષેત્રમાં એક્ટિવ રહી પૂજીત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી સેવાકાર્યો દ્વારા અનેક ‘પૂજીત’ની રચના કરી: જરૂરીયાતમંદોને ઉજળા ભવિષ્યની તક આપી
ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની અને રાજકોટ શહેર ભાજપના મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીનો આવતીકાલે જન્મદિવસ છે. અંજલીબેન રૂપાણી વિજયભાઇ રૂપાણીની જેમ જ તરુણવયથી સંઘ અને વિદ્યાર્થી પરિષદ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો ધરાવે છે અને વિજયભાઇના જીવનને અનુલક્ષીને જો જોવામાં આવે તો વિજયભાઇની દરેક સફળતા પાછળ અંજલીબેન રૂપાણીનો ખાસ હાથ છે. અંજલીબેન રૂપાણી પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ અખિલ ભારતીય વિઘાર્થી પરિષદના પ્રચારક તરીકે બે વર્ષ સુધી ફરજ બજાવી ચુકયા છે. બહેનોના સ્વરક્ષણ કેળવવા અને સમાજ સેવાના તેમજ બાળકોના વિકાસ માટે વિવિધ પ્રવૃતિ કરી રહ્યા છે. ઉપરાંત દર મહિને બે મેડીકલ કેમ્પનું પણ નિ:શુલ્ક આયોજક કરે છે. આજે તેમના જન્મદિવસ નીમીતે ‘અબતક’ પરિવાર આગોતરી હાર્દિક શુભકામના પાઠવે છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ શિક્ષણ ક્ષેત્રે પણ અનેક તેજસ્વી તારલાઓ તૈયાર કર્યા છે. પૂજીત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે સમાજને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ આપ્યા છે. રાજકીય ક્ષેત્રે કારકિર્દી ઉપરાંત અંજલીબેન રૂપાણીએ શિક્ષણ ક્ષેત્રે પણ અનેકવિધ પ્રયત્નો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જેમ અંજલીબેનનો સ્વભાવ પણ સંવેદનશીલ રહ્યો છે. નાના બાળકો માટે પૂજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા કરાયેલા કાર્યોની ઠેર-ઠેરથી પ્રસંશા થાય છે.
અંજલીબેન રૂપાણીએ ગુજરાતભરમાં પૂજીત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી અનેક પૂજીતનું સર્જન કર્યું છે. પુત્ર ગુમાવ્યા બાદ તેમણે રાજ્યમાં અનેક જરૂરીયાતમંદ બાળકોને સારૂ શિક્ષણ આપીને ભવિષ્યમાં વિકાસ સાધી શકે તેવી તક આપી છે. અંજલીબેન રૂપાણીએ કરેલા સેવાકાર્યો ઉપરથી અનેક સંસ્થાઓ પ્રેરણા લઈ રહી છે.