રોણકી, મવડી, કોઠારીયા અને રૈયાધાર એનીમલ હોસ્ટેલ તથા કોર્પોરેશનનાં બે ઢોર ડબ્બામાં પાણીની અપુરતી વ્યવસ્થાથી મુંગા પશુઓનાં ભાંભરડા
શહેરમાં એક તરફ આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે આવામાં એક મિનિટ પણ પાણી વિના ચાલે તેમ નથી. મહાપાલિકા સંચાલિત ચારેય એનીમલ હોસ્ટેલ અને ઢોર ડબ્બે મુંગા પશુઓ પાણી માટે રીતસર વલખા મારી રહ્યા છે. એક પણ જગ્યાએ પર્યાપ્ત માત્રામાં જળ જથ્થો ઉપલબ્ધ નથી. આટલું જ નહીં અવેડાઓ પણ નિયમિત સાફ કરવામાં આવતા ન હોવાનાં કારણે પાણીમાં પુષ્કળ ગંદકી જોવા મળે છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં મવડી, રોણકી, કોઠારીયા અને રૈયાધાર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા એનીમલ હોસ્ટેલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત રાજમાર્ગો પરથી રખડતા ભટકતા ઢોર પકડીને તેણે રાખવા માટે રામનાથપરા અને ૮૦ ફુટ રોડ પર બે સ્થળે ઢોર ડબ્બા બનાવવામાં આવ્યા છે.
આ એનીમલ હોસ્ટેલ અને ઢોર ડબ્બા ખાતે હાલ ૨૦૦૦ જેટલા પશુઓ વસવાટ કરી રહ્યા છે પરંતુ મહાપાલિકા દ્વારા એક પણ સ્થળે પાણીની પ્રયાપ્ત અને સુદ્રઢ વ્યવસ્થા ન હોવાનાં કારણે એનીમલ હોસ્ટેલ અને ઢોર ડબ્બે મુંગા પશુઓ કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યા છે. આ અંગે અનેકવાર માલધારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ નિવારણ આવ્યું નથી.
એનીમલ હોસ્ટેલ અને ઢોર ડબ્બા ખાતે અવેડા બનાવવામાં આવ્યા છે પરંતુ તે નિયમિત સાફ કરવામાં આવતા નથી. જેના કારણે અવેડામાં ભરેલું પાણી રીતસર વાસ મારી રહ્યું હોય છે અને પશુઓ આવા પાણી પીતા નથી. ઉનાળામાં માનવજાતને એક પણ મીનીટ પાણી વગર ચાલતું નથી ત્યારે મુંગા પશુઓ એનીમલ હોસ્ટેલ અને ઢોર ડબ્બા ખાતે પાણી માટે વલખા મારી રહ્યા છે.