કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા દરેક રાજ્યોના જુદા જુદા જિલ્લાઓમાં રસ્તે રઝળતાં નિ:સહાય ગૌમાતા – ગૌવંશ માટે ગૌશાળા નિર્માણની રજૂઆત કરવામાં આવી હતી. કર્ણાટક રાજ્ય દ્વારા તેમની આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી છે. કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બી.એસ યેદિયુરપ્પા દ્વારા રાજ્યના અંદાજપત્રની રજુઆત દરમિયાન તેમણે દરેક જિલ્લામાં એક ગૌશાળાનું નિર્માણ થશે તેવી જાહેરાત કરેલ હતી.
દેશમાં વધતા જતા આધુનિકરણ તેમજ બીફના વધતા જતા સેવન પાછળ જયારે ગાયની સંતતિ ઘટતી જાય છે એવા સમયે ગાયમાતાનું રક્ષણ કરી તેના કત્લની જે મનાઈ ફરમાવવામાં આવી છે તેમજ રાજ્યના બજેટમાં ગૌશાળા નિર્માણ માટેની જે યોજના બનાવવામાં આવી છે તે ઉલ્લેખનીય છે. ગાયમાતાના રક્ષણ તેમજ તેની પુરતી માવજત કરવા માટે કર્ણાટક સરકારે પોતાના આગામી વર્ષના અંદાજપત્રમાં રાજ્યના દરેક જિલ્લામાં ગૌશાળાની નિર્માણ કરવા માટેનું બજેટ પણ ફાળવ્યું છે. જીવદયાના ક્ષેત્રમાં રાજ્યની આ પહેલ સરાહનીય છે જયારે આ પ્રકારના વિચારનું બીજ રોપણ કરનાર તેમજ જીવદયાના કાર્યોંમાં હમેશા અગ્રેસર રહેનાર કરુણા ફાઉન્ડેશન તેની આ પહેલ દરેક રાજ્યમાં પણ સફળ થાય એવી આશા સેવી રહ્યું છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ ( એનિમલ હેલ્પલાઈન રાજકોટ ) નાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બી.એસ યેદિયુરપ્પા, કર્ણાટકના જીવદયા પ્રેમી ગવર્નર શ્રી વજુભાઈ વાળાને તેમના આ નિર્ણય બદલ અભિનંદન શુભેચ્છા પાઠવી છે.