હાલના સમયમાં હાર્ટમાં બ્લોકેજ ના કેસ ખુબજ વધી રહ્યા છે. બ્લોકેજ આવતાની સાથેજ વ્યક્તિ પોતે, તેના સાગા વ્હાલાઓ ચિંતા માં ગરકાવ થઇ જાય છે. અમુક લોકો માટે બ્લોકેજની એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ ખુબજ જોખમી થઇ શકે છે. રાજકોટના ડો. અભિષેક રાવલ જેઓ છેલ્લા 12 વર્ષ થી કાર્ડીઓલોજીસ્ટ તરીકે નામના ધરાવે તેઓ છેલ્લા 4 વર્ષ થી આ ક્ષેત્રે ખુબજ ઊંડો અભ્યાસ કરી રહ્યા હતા. લાંબા સમય ના અંતે તેઓ એ સફળતા પૂર્વક આ પ્રકાર ના પેશન્ટ ની સરળ અને ઓછી જોખમી સારવાર નું સંશોધન કરવામાં આવેલ છે. તાજેતર માં દુબઇ માં યોજાયેલ આંતરાષ્ટ્રીય કોન્ફરન્સ માં ડો. રાવલ ની આ સિદ્ધિને વિશ્વ ફ્લ્લક ઉપર અત્યંત ગૌરવપૂર્ણ રીતે બિરદાવવામાં આવેલ છે.
સંશોધન માટે યુરોપીયન એસો.ના અંતરાષ્ટ્રીય એવોર્ડ દ્વારા દુબઇમાં સમ્માનીત કરાયા
અધ્યતન તકનીકના પગલે તબીબની સિદ્ધિને વિશ્વ ફ્લક ઉપર અત્યંત ગૌરવપૂર્ણ રીતે બિરદાવવામાં આવી
આજના સમયમાં યુવાઓ અને વયસ્કોમાં હૃદયરોગ અને તેનાંથી થતા મૃત્યુનું પ્રમાણ વધતુ જાય છે. અત્યારના યુવા હૃદયરોગીઓ ની કોરોનરી એજ (નળીઓ ની ગુણવત્તા પ્રમાણે અંદાજીત ઉંમર) વાસ્તવિક ઉંમર કરતા વધારે હોય છે. અર્થાત, યુવાઓની હૃદ:ધમનીઓની કન્ડિશન ખુબ મોટી ઉંમરના દર્દી જેવી કથળેલી હોય છે. આવા યુવાનો, વૃદ્ધો, ડાયાબિટીસ, કિડનીના દર્દીમાં થતાં બ્લોકેજ ખુબ કઠિન, કેલ્સિયમ ( ચૂના) વાળા અને પ્રમાણમાં લાંબા હોય છે. આ ઉપરાંત વાંકીચૂકી નળીઓ પણ વધુ ને વધુ જોવા મળે છે. આવી વાંકીચૂકી નળીઓ અને કઠીન બ્લોકેજ ભારતમાં ખુબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કાર્ડિયોલોજિસ્ટ માટે આવા જટિલ બ્લોકેજની એન્જિયોપ્લાસ્ટીથી સારવાર કરવી દુષ્કર પુરવાર થાય છે. સારવારનું ધાર્યુ પરિણામ ના મળે, અપૂરતી સારવાર કે કોમ્પ્લિકેશન થાય, ઇમર્જન્સિમાં સમયસર સારવાર ના પતે, બાયપાસ કે ઓપન હાર્ટ સર્જરિની જરૂર પડે વિ. જેવા જોખમો રહે છે.
આવી વાંકીચૂકી અને કઠિન બ્લોકેજ વાળી હૃદ:ધમનીઓની ચેલેન્જરૂપ કોમ્પ્લેક્સ એન્જિયોપ્લાસ્ટી સરળતાથી, ઝડપથી ઓછા જોખમ સાથે થઈ શકે તેવી વૈજ્ઞાનિક ટેકનીક રાજકોટ ની વોકહાર્ટ હોસ્પિટલ સાથે સંકળાયેલ ડો. અભિષેક રાવલ એ વિકસાવેલ છે. તેમની આ ટેક્નિક, એના વડે કરેલા અનેક કેસ અને તેના લાંબા ગાળાના પરિણામો ને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. આનાથી જટિલ બ્લોકેજવાળા હ્રદયરોગીને સારા રિઝલ્ટ્સ વાળી સેઈફ સારવાર મળી રહેશે.
દુબઈ ખાતે યોજાયેલ કાર્ડિયોલોજીની આંતરરાષ્ટ્રીય કોન્ફરેંસ- ગલ્ફ પીસીઆર-2023માં ડો. રાવલે તેમનું આ સંશોધન વિશ્વ-ફલક પર મૂક્યું. આ માટે તેમને યુરોપીયન એસોસિએશન ઓફ પી.સી.આઈ. (એન્જિયોપ્લાસ્ટી), યુરોપીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી અને પી.સી.આર. ( પેરિસ કોર્સ ઓફ રિવેસ્ક્યુલરાઈઝેશન) દ્વારા ‘ધી બેસ્ટ સાઈંટિફિક રિસર્ચ એવોર્ડ’ એનાયત કરવામાં આવેલ છે. આ એવોર્ડ સાથે ડો. અભિષેક રાવલએ રાજકોટ અને ભારતના તબીબી ક્ષેત્રનું નામ આતંરરાષ્ટ્રીય સ્તરે રોશન કરેલ છે. અત્યારે જ્યારે યુવાનો અને વયસ્કો માં બ્લોકેજ ના કેસ ની માત્રા ખુબજ વધી ગયેલ છે એવા સમયે આવી ટ્રીટમેન્ટ ઘણા લોકો માટે અત્યંત આશીર્વાદ રૂપ સાબિત થશે અને આખા વિશ્વ ને આ રાજકોટમાં થયેલ સંશોધન નો લાભ મળશે.