સુરેન્દ્રનગર સમાચાર
થાનગઢ PIની બદલીને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં થાનગઢ મહિલા પીઆઈની પણ બદલી કરવામાં આવી છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
થાનગઢ પોલીસ સ્ટેશનના મહિલા PI ઈલાબેન વલવીએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અનેક અનૈતિક અને ગેરકાયદે પ્રવૃતિઓ પર અંકુશ મેળવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી સ્થાનિક યુવતીઓ માટે PI આઈબી વલવીએ નિ:શુલ્ક કોચિંગ ક્લાસની શરૂઆત પણ કરી હતી. જેને કારણે તેમની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી. તેમની બદલી અટકાવવા માટે સ્થાનિકો મેદાનમાં આવ્યા છે. સ્થાનિક મહિલાઓ પોલીસ મથકે પહોંચી ગઈ હતી અને આઈ.બી. વલવીની બદલી રોકવા માગ કરી.
સ્થાનિક વકીલો તેમજ વેપારીઓએ પણ આઈ.બી.વલવીની બદલી રોકવા માગ કરી છે. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ આ મામલે મેદાનમાં આવ્યા છે અને બદલી અટકાવવા લેખિત રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ખનીજ માફિયાઓ પર કાર્યવાહીના બીજા જ દિવસે જિલ્લા પોલીસ વિભાગમાં બદલીનો આદેશ થયો છે.
જેને કારણે પોલીસ કર્મચારીઓનું મોરલ ડાઉન થઈ શકે છે. તેથી આ બદલી હમણાં ટાળવી જોઈએ. એક ચર્ચા પ્રમાણે ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીને કારણે થાનગઢ પીઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકીય નેતાનો હાથ હોવાની પણ આશંકા ઊઠી રહી છે તેવા આક્ષેપો લગાવામાં આવ્યા છે .