અંગદાન કરી અનેકના જીવનમાં પ્રકાશ પાથર્યો રાજકોટના જ્યોતિબેન સોરઠીયાએ
દિવાળીના પ્રકાશના પર્વને દિવસે જ સવારમાં રાજકોટમાં રહેતા સોરઠીયા પરિવાર પર આભ ફાટ્યું હોય એવી મુશ્કેલી આવી ગઈ. પરિવારના મોભી એવા 56 વર્ષના જ્યોતિબેનને અચાનક જ માથામાં દુખાવો થયો સાથે ઉલટી થઈ અને ખેંચ આવવાની સાથે બેભાન થઈ ગયા. તેમને સારવાર અર્થે તાત્કાલિક નજીકની લોટસ હોસ્પિટલમાં લઈ ગયા અને વધારે તપાસ માટે એચ જે દોશી હોસ્પિટલમાં સિટી સ્કેન કર્યો જેમાં માલુમ થયું કે જ્યોતિબેનના મગજમાં લોહીની ધમનીમાં મોરલી (એન્યુરીઝમ) ને કારણે ખૂબ જ મોટું હેમરેજ થઈ ગયું છે. આથી તાત્કાલિક વેન્ટિલેટરનો સપોર્ટ આપી વધારે સારવાર અર્થે સ્ટર્લીંગ હોસ્પિટલ, રાજકોટમાં દાખલ કરવામાં આવ્યા. સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડો મયંક વેકરીયા તથા ડો હાર્દ વસાવડાની ન્યુરોસર્જન ની ટીમ હેઠળ સઘન સારવાર શરૂ કરવામાં આવી. પરંતુ આમ છતાં જ્યોતિબેનના મગજમાં ખૂબ જ મોટું હેમરેજ હોવાને લીધે કોઈ પણ સુધારો થયો નહીં અને તેમનું બ્રેઈન ડેડ થયું છે એવું જાહેર કરવામાં આવ્યું. આ સમયે ડો. હાર્દ વસાવડા અને ડો. સંકલ્પ વણઝારા એ જ્યોતિબેનના નજીકના સગા સંબંધીઓને જ્યોતિબેનના અંગદાન કરી બીજા ઘણા દર્દીઓને મદદ કરી શકાય એ બાબત સમજાવી. આ સમયે જ્યોતિબેનના પતિ શ્રી દિનેશભાઈ, પુત્ર ધવલભાઈ, પુત્રવધુ નેહાબેન અને પુત્રી આરતીબેને અંગદાનની સહમતી આપી. પરિવારના વડીલો શ્રી છગનભાઈ તથા જયશ્રીબેન, લીલીબેન, મુક્તાબેન, રીટાબેન, દેરાણી નિર્મલાબેન, ભત્રીજા ડો પ્રશાંતભાઈ, કિશનભાઇ, સાગરભાઇ તથા મિત્રો બટુકભાઈ ક્યાડા, શરદભાઈ વૈદ્ય, અમીષાબેન વૈદ્ય તથા અન્ય સગા સંબંધીઓએ મુશ્કેલીના આ સમયમાં પરિવારને સાંત્વના આપી અને સંપૂર્ણ સહકાર આપ્યો.
પરિવારજનોની મંજૂરી આપવાની સાથે જ સ્ટર્લીંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. સંકલ્પ વણઝારા, નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. દિવ્યેશ વિરોજા, ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર ડો વૈશાલી ગોસાઈ, આઈ સી યુ ડોક્ટર્સ ડો. સુભાષ ટાંક, ડો. રાજકિશોર યાદવ, ડો. અરવિંદ પંડ્યા, ડો. ભુમિકા પટેલ, ડો. યોગેશ મોરબીયા તથા સંપૂર્ણ આઈસીયુ સ્ટાફે જ્યોતિબેનના ઇલેક્ટ્રોલાઇટ, વેન્ટિલેટર, બ્રેઇન ડેડ માટેના ટેસ્ટ તથા કિડની, લીવર, હૃદય, ફેફસાના ટેસ્ટ કરવાનું કાર્ય કર્યું આ જટિલ પ્રક્રિયા માટે ગુજરાત સરકારની અંગદાનનું નિયંત્રણ કરતી સંસ્થા SOTTO સાથે કોર્ડીનેશન કરવામાં આવ્યું. SOTTO દ્વારા નક્કી કરાયેલ લીવર ટ્રાન્સપ્લાન્ટ રીસીપીયન્ટ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના હોવાથી ઝાયડસ હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમ દ્વારા લીવર અને કિડનીના હાર્વેસ્ટિંગનું ઓપરેશન કરવામાં આવ્યું. ચક્ષુદાન ડો ધર્મેશ શાહની ટીમ દ્વારા અને ત્વચાદાન રોટરી ક્લબ સંચાલિત સ્કીનબેંકની ટીમ દ્વારા સ્વીકારવામાં આવ્યું. આવી રીતે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ૧૦૮ મું અંગદાનનું ઓપરેશન કરવામાં આવ્યું. ગ્રીન કોરિડોર માટેની જવાબદારી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સક્રિય કાર્યકર હર્ષિતભાઈ કાવરે ઉઠાવી. ગ્રીન કોરીડોરની વ્યવસ્થા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સુચનાથી સ્પેશિયલ બ્રાન્ચના પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ, ટ્રાફિક શાખાના ડીસીપી પૂજા યાદવ, એસીપી ટ્રાફિક જી બી ગઢવી ના માર્ગદર્શન હેઠળ જનકસિંહ રાણા, યોગેશભાઈ ગઢવી, દિલીપસિંહ વાળા, જગદીશસિંહ ગોહિલ, રમેશભાઈ ચાવડા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.
જ્યોતિબેનના પરિવારજનોના આ વંદનીય કાર્યને લીધે જરૂરિયાતમંદ દર્દીઓને નવી જિંદગી મળશે. બે દર્દીઓને નવી દ્રષ્ટિ મળશે અને ઘણા દાઝેલા દર્દીઓને ત્વચા મળશે આ ઉત્તમ કાર્ય માટે જ્યોતિબેન સોરઠીયાના પરિવારજનો, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, રાજકોટ, સ્ટર્લીંગ હોસ્પિટલ તથા તેના સ્ટાફ અને પોલીસની સેવાને બિરદાવવી ઘટે. કારણ કે નૂતન વર્ષના પર્વ ના દિવસે જ આવું શ્રેષ્ઠ કાર્ય હાથ પર લઈને આ અંગદાન માં સંકળાયેલા લોકો અને સંસ્થાઓ એ સમાજ સેવા નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે