મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજી વર્ષ 2021-22ના જિલ્લા સ્તરીય આંગણવાડીના 3થી 6 વર્ષના બાળકોના ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ અનેક મહત્વની જાહેરાત કરી હતી. વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું કે હવેથી રાજ્યની તમામ આંગણવાડીઓ નંદ ઘર તરીકે ઓળખાશે. સાથે જ 3થી 6 વર્ષના 14 લાખ બાળકોને ગણવેશ વિતરણ કરાયા હતા.
ગાંધીનગર ખાતેથી રાજ્યકક્ષાનો સમારોહ વીડિયો કોન્ફરન્સથી યોજાયો હતો, જેમાં સંબંધિત જિલ્લા મથકો જોડાયા હતા. વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગણવેશ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. સાથે જ તેઓએ જણાવ્યું કે 55 હજારથી વધુ આંગણવાડીમાં હેન્ડવોશ કાર્યક્રમ યોજી ગુજરાતે રેકોર્ડ બનાવ્યો છે જેના કારણે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગત ગાંધી જંયતિ-૨૦૨૦ નિમિતે યોજાયેલ હેન્ડ વોશિંગ કાર્યક્રમમાં વેબ લિંક દ્વારા એક સાથે પાંચ લાખ લોકો જોડાયા હતા. આ કાર્યક્રમે રેકોર્ડ સર્જ્યો હતો જે બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ રાજયકક્ષાના કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા તથા રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને કમિશ્નર કે.કે. નિરાલા સ્વાગત પ્રવચન કર્યું હતું તથા આઇ.સી.ડી.એસ.ના નિયામક ડી.એન.મોદી આભારવિધિ કરી હતી.